આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચંપા ઉદ્વિગ્ન ચિત્તે આ સંવાદ સાંભળી રહી હતી:

‘પણ તો પછી બાલુએ ખાણિયાની પાળે મૂકેલી કોથળી એટલી વારમાં જાય ક્યાં ?’ મનસુખલાલે હસતાં હસતાં પૂછ્યું: ‘કે પછી કોથળીને પગ આવ્યા ?’

‘ભગવાન જાણે ! ભાઈ, આ વાએ કમાડ ભીડ્યાં જેવું કૌતુક થઈ ગયું. પણ નજરે જોયાજાણ્યા વિના કોઈના ઉપર આળ ન ચડાવાય.’

‘પણ એટલી વારમાં ઓસરીમાં ઓતમચંદ સિવાય બીજું કોઈ આવ્યું જ નહોતું. સીતાજીની જેમ કોથળી સંચોડી ધરતીમાં તો નહીં સમાઈ ગઈ હોય ને !’ મનસુખલાલે ફરી હાસ્ય ફેલાવ્યું.

ચંપા વધારે ચિંતાતુર બનીને સાંભળી રહી.

‘એક વા૨ લાખ થાપીને સવા લાખ ઉથાપનારો ધણી આવી સો-બસેં રૂ૫૨ડીમાં મોઢું બગાડે ખરો ?’ કપૂરશેઠ હજી ઓતમચંદને ગુનેગાર ગણવા તૈયાર નહોતા.

‘પણ તો પછી ઓસરીમાંથી એ ઓચિંતો હાલ્યો ગયો શું કામ ? એના પેટમાં પાપ નહોતું તો કોઈને કીધા વિના જ શું કામ પોબારા ગણી ગયો ?’

‘એ વાત તમારી સાચી.’ કપૂરશેઠે કબૂલ કર્યું, ‘મનેય એટલી વાત જરાક વહેમવાળી લાગે છે ખરી.’

‘હવે સમજ્યા તમે !’ મનસુખભાઈ મોટે અવાજે બોલ્યા, ‘એટલા વહેમ ઉ૫રથી દકુશેઠે વાંસોવાંસ પસાયતાને ધોડાવ્યા ને ખળખળિયાને કાંઠે ઓતમચંદને આંબી લીધો, પણ નદીમાં કોણે જાણે કયે ઠેકાણે કોથળી દાટી દીધી હશે. !’

હવે ચંપાને, હીરબાઈને ઘેર સાંભળેલી વાતનો તંત પકડાતો લાગ્યો.

જસીએ હસતાં હસતાં ચંપાને કહ્યું: ‘તારા જેઠની વાત થાય છે !’

‘સમજી !’ એટલું જ કહીને ચંપા મૂંગી થઈ ગઈ અને મજૂસ પરથી વાસણો ઉતારવા લાગી.

આ તો મારા જેઠ !
૧૬૫