આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બહારથી મનસુખભાઈનો અવાજ સંભળાતો હતો:

‘એટલે તો હું કહું છું કે હવે ઓતમચંદની જૂની અમીરાતનો મોહ મનમાંથી કાઢી નાખો ને ચંપા સારુ કોઈ લાયક ઠેકાણું ગોતો.’

રસોડામાંથી ખડિંગ કરતોકને અવાજ બહાર ગયો.

‘એ… શું થયું ?’ સંતોકબાએ સાદ પાડીને પૂછ્યું.

‘કાંઈ નહીં, કાંઈ નહીં,’ જસીએ જવાબ આપ્યો, ‘એ તો બેનના હાથમાંથી થાળી પડી.’

‘જરીક ધ્યાન રાખીને કામ કરતાં હો તો !’ સંતોકબાએ ટિપ્પણ રજૂ કર્યું. ‘કાંસાની થાળીમાં તડ પડતાં શું વાર લાગે ? ને કાંસું તો આજકાલ સોના કરતાંય મોંઘું છે—’

માતાએ ઉચ્ચારેલ આ ઠપકાનાં વેણ સાંભળીને જસી રાજી થઈ. એણે ચંપા સામે ‘કાં ! લેતી જા !’ એવો ભાવ સૂચવતી આંખો નચાવી.

ચંપાએ પોતાની આંખો ઢાળી દીધી.

મનસુખભાઈએ જે પ્રશ્ન છેડ્યો હતો એની નાજુકાઈ જોતાં એમણે અવાજ સાવ ધીમો પાડી નાખ્યો. કપૂરશેઠે પણ ગંભીર મુખમુદ્રાએ કાનસૂરિયામાં જ વાતચીત કરવા માંડી તેથી ચંપા પોતાના ભાવિ અંગેની ગુફતેગો સ્પષ્ટ સાંભળી શકી નહીં. પણ એને એટલો ખ્યાલ તો આવી શક્યો કે મનસુખભાઈએ મૂકેલો પ્રસ્તાવ બા-બાપુજીને ગળે ઊતરતો નહોતો તેથી એનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો હતો.

હવે ચંપાને પણ સમજાઈ ચૂક્યું કે ઓતમચંદ પોતાના આગમનની હકીકત ગુપ્ત રાખવાનો આગ્રહ શા માટે સેવતો હતો. વૈવાહિક સંબંધમાં ભંગાણ પડવાનું છે એવો એને વહેમ આવી ગયો હશે ?

ચંપા પોતે જ વહેમના વમળમાં પડી.

૧૬૬
વેળા વેળાની છાંયડી