આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘સહુથી મોઢા આગળ, પાટના પાયા પાસે બેઠા એ હાથિયાવાળા દરબાર…’ કીલાએ ઝીણી નજરે અવલોકન કરતાં હાજર રહેલા શ્રોતાઓની ઓળખ આપવા માંડી. ‘એની પડખે બેઠા એ વિક્રમગઢના કારભારી… એની ઓલી પા પીઠડિયાના દીવાન… આણી કોરની હાર્યમાં આંટીઆળી પાઘડી પહેરી છે એ નગરશેઠ મોતીશા… ને આ મોટી પાઘડીઆળું સંધુંય મહાજન—’

નરોત્તમ અહોભાવથી આખા સમુદાયને અવલોકી રહ્યો.

આ અબુધ યુવાનના અહોભાવને જાણે કે આઘાત આપવા જ કીલાએ ઉમેર્યું:

‘આંહીં અપાસરામાં ભલે આ સહુ મોટાભા બગલાની પાંખ જેવી પાઘડીઉં વીંટી વીંટીને બેઠા, પણ હું એકેએક જણને સરોસર ઓળખું છું. જેટલી એની પાઘડી ઊજળી બાસ્તા જેવી છે, એટલા જ એ અંદરખાનેથી મનના મેલા હોય છે… જેટલા એની પાઘડીમાં આંટા, એટલા જ એના પેટમાં ફાંટા… સમજ્યો ને મોટા ?’

આજે કીલાની એક પણ ઉક્તિ નરોત્તમને સમજાય એમ નહોતી. હજી ઘડીક વાર પહેલાં તો આ માણસ મહાજનના પગની રજ વડે પાવન થવાની વાત કરતો હતો અને અત્યારે એમના મનના મેલની વાતે ચડી ગયો ! કીલો ખરેખર ગંભીર ભાવે બોલે છે કે એનું સમગ્ર જીવન અને વ્યવહાર-વર્તન સાંપ્રત સમાજ ઉપર ભયંકર ઉપહાસનું પ્રતીક છે ? નરોત્તમને કશું સમજાયું નહીં.

વ્યાખ્યાન સાંભળવા આવેલ વિશાળ સ્ત્રીસમુદાયના કાન કદાચ સાધ્વીજીની દિશામાં મંડાયા હશે, પણ એની અનેક આંખો તો કીલા ઉપર જ સ્થિર થઈ હતી. એથી કીલો અકળામણ અનુભવી બોલ્યો:

‘આ એક મોટી આફત !’

‘શું ? શું ?’ નરોત્તમે ચોંકી ઊઠીને પૂછ્યું.

‘આ સાડલાવાળીઉં સંધીયુંય મારી સામે જ ડોળા ફાડી ફાડીને

૨૦૦
વેળા વેળાની છાંયડી