આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગયો’તો, પણ કાંઈક જુદું જ માંડ્યું હશે. હું મોટો થયો ને લગનનું ટાણું આવ્યું ત્યાં જ મને મોટો મંદવાડ આવી પડ્યો.’

‘તમને મંદવાડ ? મોટો મંદવાડ ?’

‘હા. મંદવાડનું સાચું નામ તો હજી કોઈ જાણી શક્યાં નથી. પણ ખયરોગ જેવી ઘાસણી થઈ ગઈ’તી—’

‘આવા રાતી રાયણ જેવા પંડ્યમાં ઘાસણી થાય ?’ નરોત્તમે કીલાના કદાવર દેહ ઉ૫૨ નજર કરતાં પૂછ્યું.

મનેય નવાઈ લાગી’તી. મને શું, ભલભલા વૈદ્યને નવાઈ લાગી’તી. એટલે જ હું કહું છું ને કે સાચો રોગ શું હતો એ કોઈ પારખી જ ન શક્યું. પણ મંદવાડ મોટો હતો. દિન-બ-દિન ડિલ ઘસાવા માંડ્યું– છાપરડી ઉપર ઓસડિયું ઘસાય એમ. બેવડ કાઠીનો બાંધો ઓસરતો ઓસરતો સાંઠીકડા જેવો થઈ ગયો… અને સહુ ફિકરમાં પડી ગયાં. મંદવાડ વધતો ગયો તેમ લગનની વાત પણ આઘી ને આઘી ઠેલાતી ગઈ. મારા સસરા બિચારા બહુ વિચારમાં પડી ગયા. આવતી સાલ જમાઈને સવાણ થાશે એટલે લગન કરશું, એમ વાટ જોતાં જોતાં પાકાં ત્રણ વરસ વીતી ગયાં.

‘પણ તોય સુવાણ ન થઈ એટલે સહુ સગાંવહાલાંની ચિંતા વધી. હું પથારીમાંથી સાજોનરવો ઊઠીશ એવી આશા વૈદ્યહકીમોએ પણ મૂકી દીધી. મારા સસરાને પણ ખાતરી થઈ ગઈ કે હવે જમાઈ આ મંદવાડમાંથી ઊભો નહીં થાય ને દીકરીને બીજે ક્યાંક વળાવવી પડશે. પણ મારો મંદવાડ તો હતો તેવો જ રહ્યો. નહીં એમાં વધારો કે નહીં ઘટાડો. ખાટલો બહુ લંબાણો એટલે પછી સહુને થયું કે આનો કાંઈક નિકાલ આવે તો સારું. હું જીવીશ એવી આશા તો સહુએ છોડી દીધી’તી એટલે હવે તો મારા મોતની વાટ જોઈને સહુ બેસી રહ્યાં !

આટલું બોલીને કીલો ખડખડાટ હસી પડ્યો. નરોત્તમે જોયું તો

૨૦૮
વેળા વેળાની છાંયડી