આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હતાં. કહેવાતું કે મસાણે આભડવા જનારનાં ફાળિયાં સુકાતાં જ નહીં. એક જણની ચેહ ઠારીને પાછા આવે ત્યાં તો બીજાની નનામી તૈયાર થઈ ગઈ હોય ! આવી મરકીમાં બિચારી મીઠીબાઈનો મીંઢળબંધો વર ઊકલી ગયો. તોરણને ત્રણ દીની વાર હતી ત્યાં તો વિવાહમાં વિઘન આવી પડ્યું. પીઠી ચોળેલ જુવાનજોધ વરરાજો આમ પરપોટાની જેમ ફુટી ગયો ને મીઠીબાઈનો બાંધ્યો માંડવો વીંખાઈ ગયો.’

‘અ…ર…ર ! બિચારી બાઈનાં કરમ ફૂટેલાં જ !’ કહીને નરોત્તમે પૂછ્યું: ‘પછી શું થયું ?’

‘મીઠીબાઈને તો બીજી વાર કાળજે ઘા લાગ્યો. આ વખતે તો એને એવો ઘા લાગ્યો કે આ કડવાઝેર સંસાર ઉપરથી એનું મન ઊઠી ગયું. આવી વિપદ પડે પછી વૈરાગ તો ન આવતો હોય તોય આવી જ જાય ને ! મ૨ણ-ખાટલે પડેલો હું બચી ગયો; ને નખમાંય રોગ નહોતો એવો સાજોસારો માણસ આમ ફટાકડાની જેમ ફૂટી ગયો, એટલે મીઠીબાઈને લાગ્યું કે કરમ રૂઠ્યાં છે, મારા કપાળમાં સૌભાગ્યનો ચાંલ્લો નથી લખાયો. ને પાછું કૌતક તો એવું થયું કે હું મસાણને ઉંબરે આવી ગયો’તો ને મારા નામનું સહુએ નાહી નાખ્યું’તું, એમાંથી હું સાજો થવા માંડ્યો ! કુદરતની જ બલિહારી ! ભલભલા ધન્વંતરિએ હાથ ધોઈ નાખ્યા'તા એમાંથી સુવાણ થવા માંડી. કુદરતની જ કરામત ગણવી ને ! મહિનામાં તો હું ખાટલામાંથી ઊઠ્યો ને ઘરમાં હરવાફરવા માંડ્યો.’

‘પછી મીઠીબાઈનું શું થયું ?’ હવે નરોત્તમની જિજ્ઞાસા પરાકાષ્ઠાએ પહોંચી હતી.

‘મીઠીબાઈને તો બિચારીને સંતાપનો પાર ન રહ્યો. ગામમાં પણ વાતો થવા લાગી કે મીંઢળબંધો વર મરી ગયો ને મરવા પડેલો જીવી ગયો; એટલે, મીઠીબાઈનું કાળજું કોરાઈ ગયું. એને ડંખ લાગી ગયો

૨૧૦
વેળા વેળાની છાંયડી