આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચૂકવવા માટે પાકીટ ખોલેલું એ પાછું ઉતાવળે ડગલાની અંદરના ખિસ્સામાં મૂકવા જતાં, એ ખિસ્સામાં ઊતરવાને બદલે ડગલા સોંસરવું સીધું નીચે જ સરી પડેલું.

થોડી વાર તો નરોત્તમ ખડકીનાં બિડાયેલાં કમાડ તરફ તાકી રહ્યો. એની આંખમાં, એક વ્યક્તિ માટેની ઉત્સુકતા હતી, બીજી આંખમાં બીજી એક વ્યક્તિ પ્રત્યેનો ભારોભાર તિરસ્કાર હતો.

આખરે એણે ડેલીની સાંકળ ખખડાવી.

બારણું ઊઘડ્યું ને મનસુખભાઈ ‘કોણ છે ?’ કરતાકને બહાર આવ્યા.

‘આ તમારું પાકીટ અહીં પડી ગયું લાગે છે.’

‘અરે ! પાકીટ ?’ મનસુખભાઈનો શ્વાસ અધ્ધર ચડી ગયો.

નરોત્તમ તો પાકીટ સોંપીને ચાલવા જ માંડ્યો.

‘એલા ભાઈ, ઊભો રહે ! જરાક ઊભો રહે !’ શેઠે મજૂરને જરા થોભવાનો આદેશ આપ્યો.

નરોત્તમ આ આદેશ અનુસાર ઊભો રહ્યો. એ દરમિયાન મનસુખભાઈએ અધ્ધર શ્વાસે પાકીટમાંની નોટોની થોકડી ગણવા માંડી.

નરોત્તમને થયું કે શેઠે મને આ પાકીટ પાછું સોંપવા બદલ કંઈક બક્ષિસ આપવા બોલાવ્યો છે.

પણ મનસુખભાઈએ તો નોટો ગણી રહ્યા પછી છૂટું પરચૂરણ પણ હથેળીમાં કાઢીને ગણવા માંડ્યું.

નરોત્તમ મૂંઝવણ અનુભવી રહ્યો. પાકીટ પાછું મળ્યાની ખુશાલીમાં શેઠ કેવડીક મોટી બક્ષિસ આપી દેશે એની કલ્પના કરી રહ્યો. અને સાથોસાથ, કદાચને બક્ષિસ આપવા માંડે તો એ સ્વીકારવી કે કેમ એ અંગે પણ વિમાસણ અનુભવી રહ્યો.

પણ સદ્ભાગ્યે, નરોત્તમની આ મૂંઝવણ ટળી ગઈ. પાકીટમાંની પુરાંત પાઈએ પાઈ સુધ્ધાં મળી રહી અને આ મજૂરે એમાંથી કશું

૨૨૨
વેળા વેળાની છાંયડી