આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૨૩

પાણી પરખાઈ ગયું
 


‘વાહ, બહાદર વાહ !’

‘રંગ બહાદર, રંગ’

‘નરોત્તમ પોતાના શ્રમયજ્ઞનો સર્વ પ્રથમ સ્વાનુભવ વર્ણવતો હતો અને કીલો એને વાક્યે વાક્યે શાબાશી આપતો જતો હતો.

‘એણે મને કીધું કે આ તમને શું સૂઝ્યું… મેં કીધું કે સંજોગે સુઝાડ્યું !’

‘વાહ મોટા, વાહ ! સરસ સંભળાવી દીધું !’

નરોત્તમ એકેક સંવાદ સંભળાવતો હતો અને કીલો એના ઉપર વારી જતો હતો.

‘એણે મને કીધું કે તમને આ ન શોભે… મેં કીધું કે સંધુંય શોભે—’

‘શાબાશ, મોટા શાબાશ !’

નરોત્તમના વાક્યે વાક્યે કીલો એને બિરદાવતો જતો હતો.

‘પછી તો એણે મને બહુ બહુ વાર્યો, માથેથી સામાન ઉતારી નાખવાનું સમજાવ્યું. એમ પણ કહી જોયું કે તમે તો મારા–’

‘પછી ? તેં શું જવાબ આપ્યો ?’

‘મેં તો કહી દીધું કે હું હવે તમારો કાંઈ નથી રિયો. આપણી વચ્ચે સગપણ તો હતું તે દી હતું. હવે શું ?’

‘કમાલ કરી દીકરા, તેં તો ! ઠીકાઠીકની સંભળાવી !’

પછી નરોત્તમે મનસુખભાઈના ખિસ્સામાંથી પડી ગયેલા પાકીટવાળો પ્રસંગ વર્ણવ્યો ત્યારે તો કીલો ઉત્કંઠ બનીને સાંભળી રહ્યો.

પાણી પરખાઈ ગયું
૨૨૫