આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મેં ખડકીની સાંકળ ખખડાવી ને મનસુખલાલ બહાર આવ્યા. એટલે મેં કીધું કે લ્યો આ તમારું પાકીટ… ખિસ્સામાંથી પડી ગયું છે.’

‘પછી ?’

‘પછી હું તો થઈ ગયો હાલતો—’

‘એમ ને એમ જ ? કાંઈ વાતચીત ?’

‘ના. થોડુંક હાલ્યો ત્યાં એણે હાક મારીને પાછો બોલાવ્યો—’

‘હા…! પછી ? પછી ?’

પછી એણે બરોબર ધ્યાનથી બધી નોટું બબ્બે વાર ગણી લીધી. પાકી ખાતરી કરી લીધા પછી રજા આપી કે હવે તું તારે જા—’

‘બસ ? ઇનામ-બિનામ કાંઈ ન આપ્યું ?’

‘ના.’ નરોત્તમે કહ્યું, ‘ઇનામ વળી શાનું ? પાકીટ એનું હતું ને એને સોંપી દીધું—’

સાંભળીને કીલો મૂંગો થઈ ગયો. સારી વાર સુધી એ મનમાં કશુંક વિચારી રહ્યો. પછી એકાએક એણે આંખો ચમકાવતાં પૂછ્યું:

‘ભલા, મનસુખભાઈએ સાચે જ પાકીટમાંથી એકાદી નોટ કાઢીને તને ઇનામમાં આપી હોત તો શું કરત ?’

‘કરત તો શું બીજું ? નોટ પાછી એના હાથમાં પધરાવીને કહી દેત કે તમારું નાણું તમારી પાસે જ રાખો. મેં તો નાણુંય બહુ ને આવી નોટુંય બહુ જોઈ નાખી છે.’

આ વખતે કીલાએ, કોણ જાણે કેમ, એક પણ પ્રશંસા-શબ્દ ઉચ્ચાર્યો નહીં. ‘રંગ, બહાદર !’ કે ‘વાહ, મોટા, વાહ’ની એક પણ શાબાશી આપી નહીં. એ તો ઊલટાનો વધારે ગંભીર મુખમુદ્રા ધારણ કરીને ફરી ઊંડા વિચારમાં ડુબકી મારી ગયો.

કીલાનું મૌન હંમેશાં અર્થસૂચક હોય છે એ હકીકત નરોત્તમને આટલા દિવસના સહવાસને પરિણામે સમજાઈ ચૂકી હતી. કીલાનું અંતરવહેણ અત્યારે કઈ દિશામાં વહી રહ્યું છે એ પારખવું મુશ્કેલ

૨૨૬
વેળા વેળાની છાંયડી