આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કહેતો હોઉં તો પૂછી જોજે તારા મોટા ભાઈને. શેઠાઈ કરવી કાંઈ સહેલી નથી. ઊંચે બેસણે બેસીને જીભ હલાવનારને જરૂર પડ્યે કડ્ય ભાંગીને કામ કરતાં પણ આવડવું જોઈએ. હાથ નીચે મર ભલે હજાર વાણોતર હોય, પણ શેઠમાં તો હમાલનું કામ કરવાનીય તૈયા૨ી જોઈએ. ને તો જ એની શેઠાઈ ભોગવી ૫૨માણ—’

કીલાની આ નવી ફિલસૂફી નરોત્તમ રસપૂર્વક સાંભળી રહ્યો. કીલો બોલતો હતો:

‘તારામાં વેપાર-વહીવટની બધીય આવડત છે, એ તો મેં કાચી ઘડીમાં જ જાણી લીધું’તું. ને મંચે૨શા તો મને કેદુનો કીધા કરતો’તો, પણ મેં તારી ભલામણ આટલા દી ક૨ી નહીં, કારણ કે તારામાં શેઠાઈનો ગુણ મારે પારખવો’તો. એ, આ મજૂરી કરાવીને પારખી લીધો.’

‘સાચું કહો છો ?’ નરોત્તમને હજી કીલાની આ વાતમાં વિશ્વાસ નહોતો બેસતો.

‘હા, મેં તને મંચે૨શાની પેઢી ઉ૫૨ કેદુનો બેસાડી દીધો હોત ને આજે તારા હાથ નીચે દસબાર વાણોતર તારો પડ્યો બોલ ઝીલતા હોત. પણ આવી શેઠાઈ જીરવવાનું તારામાં જોર છે કે કેમ એટલું જ મારે જાણવું’તું. આવી ધરખમ પેઢીને મોટે મોભારે બેસીને હુકમ છોડવા એ પણ અમલદારી જેવો અમલ છે. એ અમલ જીરવી જાણવો જોઈએ, નહીંતર, એનો અમલ તો માણસનું માથું ફેરવી નાખે. મારે તારું આટલું જ પારખું કરવું’તું, તે આ રેલનાં છડિયાંનો સરસામાન ઉપડાવીને કરી લીધું—’

‘રેલનાં છડિયાંનો જ નહીં, એક વારની મારી સગી—’

‘સગી વહુનો જ, એમ કહે ને ! એમાં શરમાય છે શાનો ?’ કીલાએ કહ્યું, ‘પણ એય એક જોતાં લાભની જ વાત થઈ છે. એક પંથ ને દો કાજ જેવું કામ થઈ ગયું—’

૨૩૦
વેળા વેળાની છાંયડી