આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મોટા ભાઈ આવી વાત માને પણ નહીં કે નરોત્તમ મોટી પેઢીને ગાદી-તકિયે બેસી ગયો છે—’

‘તો પછી કેવી રીતે વાત મનાવવી ?’

‘થોડાક દી પછી નગદ નાણાનું મનીઆડર મોકલીને,’ કીલાએ સમજાવ્યું. ‘ખોબો ભરાય એટલા રૂપિયા ભાળશે એટલે એની મેળે સમજાઈ જાશે કે નાનો ભાઈ હવે કમાતો થયો ખરો !’

‘ખોબો ભરાય એટલા રૂપિયા ?’

‘ખોબો શું, ખજાનો ભરાય એટલા રૂપિયા મોટા ભાઈને મોકલવા પડશે,’ કીલાએ કહ્યું. ‘ઓતમચંદને તો હજી મંચેરશાની પેઢીના આડતિયા નીમવા પડશે. ગામેગામના વજે જોખીને માલ ચડાવવાનું કામ ઓતમચંદે કરવું પડશે. એમાં રૂપિયે આનો બે આના આડત જડશે તોય હકશી પેટે લાખની પાણ થાશે.’

‘તમે તો બહુ લાંબો વિચાર કરી નાખ્યો છે, કીલાભાઈ !’

‘આ કીલો ટંકા વિચાર કોઈ દી કરતો જ નથી. હિંગતોળ વેપલો કર્યે ઘરે હાથી ન બંધાય. આંગળી સોઝીને થાંભલો થયો સાંભળ્યો છે ક્યાંય ?’ ફરી કીલાએ ગર્વોક્તિ ઉચ્ચારી: ‘આ કીલો તો એક જ વાત સમજે… મારવો તો મીર, નહીંતર હાથ જોડીને બેઠાં રહેવું.’

‘તમે તો ભારે જબરા છો !’ કીલાની ગર્વોક્તિથી પ્રભાવિત થઈને નરોત્તમ બોલ્યો. ‘તમારી પહોંચ ગજબની છે !’

‘પહોંચ વિના હું કામદાર મટીને કાંગસીવાળો થયો હોઈશ ?’

‘તમે તમારું નામ શું કામ બદલાવી નાખ્યું એ તો હજીયે મને નથી સમજાતું —’

‘જિંદગીના રંગ બદલે એમ નામ બદલાવવાં જોઈએ, મોટા ! આપણે પોતાની મેળે નામ ન બદલીએ તો દુનિયા જ આપણું નામ બદલી નાખે. ઓલી કહેવત તેં નથી સાંભળી ?… ગરથ વિનાનો ગાંગલો, ને ગ૨થે ગાંગજીભાઈ ! ગાંઠમાં ગરથ હોય તો ‘ગાંગજીભાઈ

પાણી પરખાઈ ગયું
૨૩૩