આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘રાજકોટથી નરોત્તમે રૂપિયા મોકલ્યા !’

વીજળીવેગે કાનસૂરિયાં ફેલાતાં રહ્યાં.

સાંભળીને કેટલાક લોકો રાજી થયાં. કેટલાંક સાવ સ્થિતપ્રજ્ઞ રહ્યા પણ જેમની કલ્પનાશક્તિ વધારે પડતી સતેજ હતી એમણે આ સમાચાર સાંભળીને વધારે કુતૂહલ વ્યક્ત કર્યું:

‘અલ્યા, પણ નરોત્તમે આટલા રૂપિયા કાઢ્યા ક્યાંથી ?’

‘રાજકોટમાં રૂપિયાનાં ઝાડ ઊગે છે કે માણસ મનફાવે એ ખંખેરી લે ?’

‘કે પછી એણે ઘરમાં જ ટંકશાળ પાડી છે ?’

ઓતમચંદના હિતેચ્છુઓનાં હૃદયમાંથી ઊઠેલા આ પ્રશ્નો એવા તો ગંભીર હતા કે એમના ઉત્તર સહેલાઈથી મળી શકે એમ નહોતા. પરિણામે એ પ્રશ્નોના પૃચ્છકોએ પોતે જ ઉત્તરો પણ યોજવા પડ્યા.

‘નરોત્તમે કોકનો હડફો ફાડ્યો લાગે છે !’

‘કોકની દુકાનમાં ગણેશિયો ભરાવ્યો હશે.’

‘રાજકોટ જેવા શહેરમાં આટલા રૂપિયા ક્યાં રેઢા પડ્યા છે ?’

‘હમણાં કોક રાજકોટ ગ્યું’તું એણે તો વાવડ આપ્યા’તા કે નરોત્તમ તો ટેસન ઉપર કોકની રમકડાંની રેંકડી ફેરવે છે. આટલી રકમ ક્યાંથી પેદા કરી નાખે ?

‘જરૂર ક્યાંક હાથફેરો કર્યો હશે–’

‘ક્યાંક સાટાંદોઢાં કરીને કોકને સુવરાવી દીધો હશે.’

અને પછી કલ્પનાનાં ઘોડાં આગળ વધ્યાં. અનુમાનો અને અટકળો સાથે સમર્થનો પણ શોધાયાં.

‘આવાં સાટાંદોઢાં કરવાની એને ખોરડે કાંઈ નવી નવાઈ છે ? નરોત્તમ પણ અંતે તો ઓતમચંદનો જ સગો ભાઈ ને ! ઓતમચંદે આ ઈશ્વરિયામાં દકુભાઈની ઓસરીમાંથી રોકડ રૂપિયાની કોથળી બગલમાં મારિ’તી… મકનજી મુનીમ નજરે જોયેલી વાત કરતો’તો… નરોત્તમે

૨૪૬
વેળા વેળાની છાંયડી