આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આટલું કહીને ઓતમચંદ નાના બાળક જેવું નિર્દોષ હાસ્ય વેરી રહ્યો.

બટુકને તો લાપસીમાં કે રોટલામાં, કે એ બંને પાછળની ફિલસૂફીમાં, કશામાં રસ નહોતો. એને તો કાકા તરફથી આવનાર નવી ઘોડાગાડીએ ગાંડોતૂર કરી મૂક્યો હતો. હવે આવનારી નવી ગાડી કેવી હશે એનો ઘોડો કેવો હશે, એની સતત પૂછગાછ આડે એ પેટ ભરી જમી પણ ન શક્યો.

રાતે આ દુખિયાં દંપતી નિરાંતે વાતોએ વળગ્યાં.

ઓતમચંદને આવી સુખદુઃખની ત્રણચાર રાતો યાદ આવી ગઈ. જે દિવસે પોતે દેવાળિયો જાહેર થયેલો એ રાત… જે દિવસે નરોત્તમે શહેરમાં જવાનો હઠાગ્રહ કરેલો એ રાત… જે દિવસે બટુક્ ખાધા વિના ભૂખ્યો ઊંઘી ગયેલો અને લાડકોરે પતિને ઈશ્વરિયે જવાનું સૂચન કરેલું એ રાત… અને જે દિવસે પોતે મોતના મોઢામાંથી ઉગરી જઇને ઇશ્વરિયેથી ખાલી હાથે પાછો કરેલો અને લાડકોર સમક્ષ પોતાના અનુભવોની અસત્ય કથા કહી સંભળાવેલી એ યાદગાર રાત… આ બધી વાતોએ ઓતમચંદે અજંપો અનુભવેલો. આ પ્રસંગોએ એનું ચિત્ત સંતપ્ત હતું, ત્યારે આજે એ પ્રફુલ્લચિત્ત હતો. અજંપા ઉદ્વેગમાંથી જન્મેલા, આજનો અજંપો પરિતોષજન્ય હતો. તેથી જ, આ ઉજાગરો અશાંતિકર નહીં પણ મીઠો લાગતો હતો.

લાડકોરે ફાનસને અજવાળે નરોત્તમનો લાંબો પત્ર ફરી ફરીને બેત્રણ વાર વાંચ્યો છતાંય એને સંતોષ ન થયો. દરેક વાચન વેળાયે એમાંથી વધારે ને વધારે અર્થઘટાવ કરતી જતી હતી. નરોત્તમના નવપ્રસ્થાનમાં રહેલી અપાર શક્યતાઓ ઓતમચંદ સમજાવતો જતો હતો અને લાડકોર વધારે ને વધારે ઉછરંગ અનુભવતી જતી હતી.

શેખચલ્લીની જેમ નહીં પણ સંપૂર્ણ સ્વસ્થ ચિત્તે આ દંપતીએ નવજીવનનાં સુખદ સ્વપ્નોને જાણે કે સાકાર થતાં જોયાં અને એ

૨૫૪
વેળા વેળાની છાંયડી