આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૨૬

ચંપાનો વર
 


‘તોબાહ, તારાથી તો ?’

‘તારાથી તો હવે વાજ આવ્યાં !’

‘આવડી નખ જેવડી છોકરીએ અમને થકવી નાખ્યાં !’

મનસુખભાઈ ધુંઆપૂંઆ થઈને તાડૂક્યા કરતા હતા. મામાની સિંહ સમી આવી ઉગ્ર ગર્જનાઓ સામે ગભરુ હરિણી સમી ચંપા હળવા સાદે બોલતી હતી:

‘પણ મામા, એમાં મારો શું વાંક ?’

‘તમે ઠાલા મારા ઉપર ખિજાવ છો.’

‘મામા, મેં તમારું શું બગાડ્યું છે ?’

ચંપાની ક્ષમાયાચક ઉક્તિઓ સાંભળીને મનસુખભાઇનો રોશ દ્વિગુણિત બન્યો:

‘અમારું તો તું શું બગાડવાની હતી ? તારું પોતાનું ભાગ્ય બગાડી રહી છો ?’

‘મારા ભાગ્યમાં તો માંડ્યું હશે એમ થાશે !’

‘લ્યો, બોલ્યાં બેનબા !—મારા ભાગ્યમાં માંડ્યું હશે એમ થાશે !’ મનસુખભાઈએ ફરી મિજાજ ગુમાવ્યો. ‘તું તો બાળબુદ્ધિમાં ગમે એમ બોલી નાખે, પણ અમારાથી બાળક હારે બાળક થોડું થવાય છે ? અમારે તો તારું હિત જોવું જોઈએ ને ?’

‘કોઈ વાર હિત જોવામાં અહિત થઈ જાય છે.’

‘શું બોલી ?’ મનસુખભાઈએ ફરી ત્રાડ પાડી, ‘જીભ કાંઈ બહુ વધી છે ?’

૨૫૬
વેળા વેળાની છાંયડી