આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 મામા મૂંગા રહ્યા એટલું જ નહીં, થોડી વારમાં જ, જાણે કે કશું બન્યું જ નથી એવી સ્વસ્થતા ધારણ કરીને ઓરડામાંથી બહાર નીકળી ગયા.

હવે જ ચંપાએ ખરો ભય અનુભવ્યો. મામાનું મૌન જ આ ગભરુ યુવતી માટે અકળામણનું કારણ બની રહ્યું.

‘કાં ગગી, ધીરી ! કેમ છો દીકરા ?’

બપોર પછી કામકાજથી પરવારીને ધીરજમામી ઓસરીમાં પગ ઉપર પગ ચડાવીને નિરાંતે સોપારી કાતરતાં બેઠાં હતાં ત્યાં ખડકીનાં અધખૂલાં બારણાંમાંથી પરિચિત અવાજ આવ્યો.

‘કોણ્ ? કીલાભાઈ ? આવો. આવો !’ ધીરજે આવકાર આપ્યો. ઝાઝે દિવસે તમે તો મોઢું દેખાડ્યું. કંઈ નવી ભાત્યની કાંગસી લઈ આવ્યા છો ?’

‘હું કાંગસીય નથી લાવ્યો, ને ખંપારાય નથી લાવ્યો. તારા જેવી મોટી, શેઠાણી હવે મારી પાસેથી કાંગસી થોડી લિયે ?’ કીલાએ કહ્યું. હું તો ખાલી હાથે આણી કોર નીકળ્યો’તો ને ખડકીમાંથી તને દીઠી કે હાલ્ય, ગગીની ખબર કાઢતો જાઉં—’

‘ભલે, ભલે, બેસો. બેસો.’

‘તને કિયે સગપણે ગગી કહું છું. એની ખબર છે તને ?’ કીલાએ પુછ્યું.

‘ના’

‘તારું મોસાળ કિયે ગામ ?’

‘રાણસીકી.’

‘ને કુટુંબ ?’

‘દેવાણી.’

ચંપાનો વર
૨૫૯