આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘બસ. આપણે બેય એક જ ગોતિરયાં. મારું મોસાળ પણ રાણસીકીનું દેવાણી કુટુંબ. તારા બાપુ ને હું આઘી સગાઈએ ભાઈ થાઈએ.’

‘સાચે જ ?’

‘હા,’ કીલાએ કહ્યું, ‘તને તો ક્યાંથી સાંભરે. પણ તું નાની હતી ત્યારે મેં તને કાખમાં તેડીને રમાડી છે.’

‘સાચે જ ?’ ધીરજ આનંદી ઊઠી.

‘હા, તું કાલું કાલું બોલતી ને મને ‘કાકા કાકા’ કર્યા કરતી—’

કીલાના ફળદ્રુપ ભેજાએ આવું સગપણ ઉપજાવી કાઢ્યું અને થોડી ક્ષણમાં જ નિકટતા સ્થાપી દીધી.

મનસુખલાલ પેઢી પર પહોંચી ગયા છે એની ખાતરી કરી લીધા પછી જ અહીં આવી પહોંચેલા કીલાએ અલકમલકની આડીઅવળી વાતો કરવા માંડી. આજ સુધી આ વેપારીના ગ્રાહકવર્ગમાંનો મોટો ભાગ સ્ત્રીઓનો જ હોવાથી એમની સાથે વાત વાતમાં જ ઘરોબો કેળવી દેવાની કલા તો લાંબા અનુભવને પરિણામે એને સુસાધ્ય બની ગઈ હતી. ન હોય ત્યાંથી સગાઈ-સગપણો શોધી કાઢીને સામા માણસને વાતચીતના પ્રવાહમાં તાણી જવાની કરામત હવે કીલાને સહજ થઈ ગઈ હતી. અત્યારે પણ અસંબદ્ધ વાતો કરતાં કરતાં પણ એની નજર તો ઓસરીને ચારેય ખૂણે અને ઓરડાની ઊંડે ઊંડે પણ ફર્યા જ કરતી હતી.

‘આવી ઠોસરા જેવી કાંગસીથી તારું માથું ઓળે છે ?’ ધીરજની નજીકમાં પડેલી કાંગસી જોઈને કીલાએ પૂછ્યું.

‘આનાથી સારી કાંગસી તો તમે આપી જાવ તો થાય !’ ધીરજ બોલી.

‘હું આપી જાઉં ? અરે, તારે તો મુંબઈથી મંગાવવી જોઈએ મુંબઈથી,’ કીલાએ કહ્યું, ‘આવું ઠોસરું જોઈને તો તારે બદલે હું લાજી મરું છું.’

૨૬૦
વેળા વેળાની છાંયડી