આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘વાહ, બહાદર, વાહ !’

‘ઓણ સાલ વરસ સોળ આની ઊતર્યું છે. પણ આપણી પેઢીને વીસ આની પાકશે.’

‘રંગ, બહાદર, રંગ !’ નરોત્તમને શાબાશી આપીને કીલાએ ઉમેર્યું. ‘આવી ઉપરાઉપર પાંચ મોસમ સારી જાશે તો મનસુખભાઈ પેઢીનું ઉઠમણું થઈ જાશે–’

‘એટલું બધું તે હોય !’

‘અરે, આ ભવિષ્યવાણી ખોટી પડે તો આ કીલો મૂછ મૂંડાવી નાખે !’

‘વિલાયતી પેઢીની વાત થાય ? એની પાસે આપણી ગુંજાશ શી ?’ નરોત્તમે કહ્યું.

‘પેઢી ભલેને વિલાયતી હોય ! અનુભવ વિના વેપલો થોડો થાય છે ? એના મુનીમ મનસુખલાલને ગજના આંકાનું તો ભાન નથી.’ કીલાએ કહ્યું, ‘આ તો બજારમાં કોઈ હરીફ નહોતો એટલે લાકડાની તલવારે લડ્યા કરતા હતા. હવે એને ખબર પડશે કે કેટલી વીશીએ સો થાય છે.

આ આત્મશ્રદ્ધાભર્યો વાણીપ્રવાહ સાંભળીને નરોત્તમ વિસ્ફારિત આંખે કીલા તરફ તાકી રહ્યો ત્યારે કીલાએ કહ્યું:

‘આમ ડોળા શું ફાડી રહ્યો છો ? વિશ્વાસ ન બેસે લખી લે ચોપડામાં… અક્ષરેઅક્ષર લખી લે. ને એમાં જ પડે તો આ કીલો મૂછ મૂંડાવી નાખે મૂછ સમજ્યો ને ?’

વારંવાર મૂછ મૂંડાવી નાખવાની વાત સાંભળીને નરોત્તમ ને મનમાં હસી રહ્યો હતો. એની ઉપહાસભરી મુખમુદ્રા જોઈને કીલાએ વળી સંભળાવ્યું:

‘મારી વાત હજી તને ગળે ઊતરી લાગતી નથી ! પણ મોટા, તારા ગ્રહ હમણાં ચડિયાતા લાગે છે ?’

૨૬૮
વેળા વેળાની છાંયડી