આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રમકડાં મોકલાવ્યાં એટલે મેં બીજલ સારુ બીજી જોડ્ય મંગાવી—’

સ્વયંસંચાલિત રમકડાં પ્રત્યેનો ભય ઓછો થતાં બીજલે પોતે જ એંજિન વગેરેને ચાવી આપવા માંડી ને ઉત્સાહપૂર્વક રમવા લાગ્યો.

હીરબાઈ તો હજી આ યાંત્રિક કરામતની પ્રશસ્તિ જ કરી ૨હ્યાં હતાં: ‘શું કારસો કર્યો છે… જાણે સાચકલી રેલગાડી જોઈ લ્યો… બુદ્ધિ કોઈના બાપની છે!…’

‘ભૂખ લાગી છે,’ ‘ભૂખ લાગી છે’ કરતો આવેલો બીજલ રમકડાંમાં એવો તો ગુલતાન થઈ ગયો, કે ખાવાની વાત જ ભૂલી ગયો.

‘એલા, બધાંય રમકડાં ભાંગી નાખીશ મા. થોડાંક પટારામાં સાચવીને મેલી દે—’ હીરબાઈએ પુત્રને સૂચન કર્યું.

‘ભલે ને રમે!’ ઓતમચંદે કહ્યું: ‘રમવા ને ભાંગવા સારુ તો લીધાં છે–’

‘પણ આમાંથી થોડાંક રમકડાં બીજલની વહુને મોકલીશ—’

સાંભળીને ઓતમચંદ માંડ માંડ હસવું ખાળી શક્યો. પૂછ્યું: ‘બીજલની વહુ હજી રમકડે રમે છે?’

‘હજી તો બિચારી ઘોડિયામાં છે.’ હીરબાઈએ સ્પષ્ટતા કરી. ‘પણ મોટી થશે એટલે એને રમકડાં જોઈશે જ ને! આવાં વિલાયતી રમકડાં જોઈને રાજી રાજી થઈ જાશે—’

ઓતમચંદ મનમાં ને મનમાં હસીને વિચારી રહ્યો: નરોત્તમે બજારમાંથી આ રમકડાં લીધાં. ત્યારે એને ખબર પણ્છે નહીં હોય કે આ તો ઘોડિયામાં રમતી બીજલની વહુના હાથમાં જવાનાં છે!

‘હવે રોટલો પીરસશો, બેન?’ આખરે ઓતમચંદે જ સૂચન કર્યું. ‘સાંજ પહેલાં મારે હજી બે-ત્રણ ગામડે ફરવાનું છે.’

મોઢું જોઈ શકાય એવી ઝગારા મારતી કાંસાની તાંસળી મહેમાન સન્મુખ મૂકતાં આહીરાણીએ કહ્યું: ‘આજે તે કાંઈ રોટલો પીરસવાનો હોય મારા ભાઈને?’

૩૧૦
વેળા વેળાની છાંયડી