આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આવી વાયકાઓ એને બહુ સાચી લાગતી નહોતી. જે દિવસે એણે નરોત્તમને સ્ટેશન ઉપરથી સામાન ઉપાડતા મજૂરના સ્વાંગમાં જોયેલો તે દિવસથી આ યુવતીના કુમળા માનસમાં ગજબનાક ગૂંચવણ ઊભી થઈ ગયેલી. દિવસો જતા ગયા તેમ તેમ એ ગૂંચવણમાં એવો તો વધારો થતો ગયેલો કે એની ગઠની ગાંઠ કેમેય કરી છૂટી શકે એમ નહોતી. રાજકોટથી પાછા ફરતી વેળા સ્ટેશન ઉપર કીલાએ પેલી પાંચ રૂપિયાની નોટ પાછી વાળતાં મામાને મોઢે જે વાત કહી હતી એ સાંભળીને ચંપા અવશ્ય હરખાઈ હતી—પેલો ‘મજૂર’ તો ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેસીને મુંબઈ જતો હતો, એવું સાંભળીને એણે ઊંડો પરિતોષ પણ અનુભવ્યો હતો—પણ ઊંડે ઊંડે એનું મન આ સમાચારોની સચ્ચાઈ અંગે શંકાશીલ હતું. ‘આમ બની શકે ખરું? એક વાર જેણે વખાના માર્યા સ્ટેશન ઉપર મજૂરી કરી, એ આમ મુંબઈની સહેલસફર કરી શકે ખરું?’ આ શંકાની સાથોસાથ જ ચંપાના ચિત્તમાં એક બીજું વહેણ પણ વહેતું: ‘આમ કેમ ન બની શકે? સ્ટેશન ઉપરથી સામાન ઉપાડ્યો, એ મારી પરીક્ષા કરવા જ કેમ ન કર્યું હોય! મારું પાણી માપી જોવા ને મને છેતરવા જ આ નાટક કેમ ન કર્યું હોય?—એ સાચે જ મુંબઈનો વેપાર કેમ ન ખેડતા હોય! ઓતમચંદ શેઠ પોતે હવે આટલો મોટો વેપાર ખેડે છે, વજેસંગ ઠાકોર જેવાનો વજેભાગ વેચાતો લ્યે છે, તો એનો ભાઈ એનાથી સવાયો કેમ ન હોય!

આ બંને ચિત્તપ્રવાહોના સંગમસ્થાને જાણે એક નવું જ વિચારવહેણ રચાતું હતું. ‘અરે આવા સુખી હોય્ તો પામે તો હુંય કેટલી સુખી થાઉં!’

આ વિચારવહેણ થોડુંક આગળ વધતું હતું ત્યાં જ માર્ગમાં અંતરાય સમો પ્રશ્ન આવી ઊભતો હતો: ‘પણ હું એટલે કોણ ?’ હું એની શું સગી? મારે ને એની વચ્ચે હવે શું સગાઈ? તે દિવસે

હું એને નહીં પરણું !
૩૧૫