આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

માથે ભાર ઉપાડીને મામાની ડેલીએ મૂકવા આવેલા, ત્યારે મેં એને કહેવા માંડેલું, ‘અરે, તમે તો મારા—’ ત્યારે એમણે અધવચ્ચે જ કહી દીધેલું ને, ‘કે હવે કાંઈ નહીં.’

‘સાચેસાચ હું એની કાંઈ નહીં?’ આ પ્રશ્ન ચંપાના સંતપ્ત હૃદયને વારે વારે તાવી રહ્યો હતો.

‘કેમ મૂંગી થઈ, ગગી?’ હીરબાઈનો અવાજ કાન પર અથડાયો ત્યારે જ ચંપાને ખ્યાલ આવ્યો કે હું વિચારના વમળમાં અટવાઇ ગઈ છું અને હીરીકાકીએ મને પકડી પાડી છે.

તુરત એણે સ્વસ્થ થઈને, આહીરાણીને કશી ગંધ ન જાય એ માટે હોઠ પર જે શબ્દો આવ્યા એ ઉચ્ચારી નાખ્યા: ‘હું તો આ બીજલના હાથમાં છે ઈ રમકડું જોયા કરતી’તી.’

‘તને ગમે છે, આ રમકડું?’ કહીને હીરબાઈએ બીજલના હાથમાંથી લઈને એ રમકડું ચંપાના હાથમાં મૂક્યું.

આ હતું, એક ગોરા યુગલનો આકાર ઉપસાવતું કાચનું રમકડું. આ પ્રદેશમાં આ રમકડું મળે જ નહીં, એમાં અંકિત થયેલ માનવીઓ પણ નવાં હતાં—એમના ચહેરામહોરા, એમનો પહેરવેશ અને એમની અદા બધું જ અહીં અજાણ્યું હતું.

‘આ વિલાયતી રમકડાં તો જો, ગગી! આ ભાયડો-બાયડી ભેગા ઊભાં છે; કેવાં લાગે છે!’ હીરબાઈએ કહ્યું.

‘આ તો ગોરા સાહેબલોક છે, હીરીકાકી!’ ચંપાએ રાજકોટ જ આવ્યા પછી પ્રાપ્ત કરેલા અલ્પ જ્ઞાનનો ઉપયોગ કરીને ઉમેર્યું: ‘આ સાહેબ છે, ને આ એની મઢમ છે! સાહેબે એની મઢમના માથા ઉપર છત્રી ઢાંકી રાખી છે–’

‘શું વિલાયતના માણસની ચતુરાઈ છે, ગગી!’ હીરબાઈએ અહોભાવ વ્યક્ત કર્યો: ‘આવાં, અકલ કામ ન કરે એવાં રમકડાં કાઢ્યાં છે!’

૩૧૬
વેળા વેળાની છાંયડી