આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કહ્યું: ‘સાંભળ્યું ને પરભુલાલ શેઠ, ચંપાએ કહેરાવ્યું છે કે આ રમકડામાં છે એવી આપણી જોડી પણ અખંડ જ રાખજો—’

નરોત્તમને આ આખીય રમત સમજાઈ ગઈ. ચંપાએ યોજેલો ચાતુરીભર્યો વ્યૂહ સમજાઈ ગયો. શારદાએ કરેલું દૂતીકાર્ય હવે સમજાઈ ગયું અને પોતાની વાગ્દત્તાએ આ નિર્જીવ રમકડામાં આરોપેલો સાંકેતિક સંદેશ પણ સમજાઈ ગયો.

‘કેમ, કાંઈ મૂંઝવણમાં પડી ગયા, ૫૨ભુલાલ શેઠ?’ શારદાએ પૂછ્યું.

‘મને પરભુલાલ શેઠ કહીને બોલાવીશ તો હું તારી સાથે વાત નહીં કરું,’ નરોત્તમે કહ્યું.

‘પણ તમે પોતે જ આવું બનાવટી નામ રાખ્યું છે, પછી તો ‘એ નામે જ તમને બોલાવવા જોઈએ ને?’ કહીને, શારદાએ પૂછ્યું: ‘આ બનાવટી નામે તો મેંગણીમાં કેવો ગોટાળો કર્યો છે, એની તમને ખબર છે?’

‘મેંગણી સુધી આ નામ પહોંચી ગયું છે?’

‘હા—’

‘પણ પહોંચાડ્યું કોણે?’

‘ચંપાના મામાએ, મનસુખભાઈએ,’ શારદા બોલી. મનસુખભાઈએ મેંગણી કાગળ લખ્યો, કે ચંપા સારુ પરભુલાલ કરીને એક છોકરો ગોતી રાખ્યો છે…’

‘સાચે જ?’

‘હા. એ સમાચાર સાંભળીને ચંપાએ સંભળાવી દીધું કે પરભુલાલને હું નહીં પરણું—’

‘તો પછી કોને પરણશે ?’

‘નરોત્તમને જ!’ શારદાએ કહ્યું.

અને બંને જણાં ખડખડાટ હસી પડ્યાં.

‘આ તો બહુ ભારે ગોટાળો થઈ ગયો!’ નરોત્તમ બોલ્યો.

૩૨૮
વેળા વેળાની છાંયડી