આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘તમે જ હાથે કરીને ગોટાળો ઊભો કર્યો છે, એમાં કોઈ શું કરે? શારદાએ કહ્યું: ‘ચંપા તો બિચારી મને પરભુલાલ નામના કોઈક અજાણ્યા માણસ સાથે પરણાવશે એમ સાંભળીને ધ્રુસકે ધ્રુસકે રોયા કરે છે—’

‘એટલો બધો ગોટાળો થઈ ગયો છે?’ નરોત્તમે હસતાં હસતાં પૂછ્યું.

‘ગોટાળો કરવામાં તમે કાંઈ બાકી રાખ્યું છે?’

‘હજી તો થોડુંક બાકી છે,’ નરોત્તમે કહ્યું. ‘આમેય આટલો ગોટાળો થયો છે, તો હવે એને પૂરો જ કરજે.…’

‘હું પણ હજી ગોટાળો કરું?’

‘હા, ક૨વો જ પડશે, નરોત્તમે કહ્યું: ‘એ વિના બીજો છૂટકો નથી હવે.’

‘પણ આવી બનાવટ તે કરાતી હશે, ભલા માણસ! ચંપા તો, પરભુલાલનું નામ સાંભળીને પોશ પોશ આંસુએ રુવે છે-ક્યાંક કૂવો—હવાડો ન પૂરી બેસે તો સારું—’

‘અરરર!—એટલી બધી વાત!—’

‘તે તમને અહીં બેઠાં શું ખબર પડે કે ચંપા બિચારી તમારી પાછળ કેટલી ઝરે છે! એટલે તો, હું અહીં આવતી’તી ત્યારે એણે આ રમકડું મોકલીને આટલું કહેવરાવ્યું કે—’

‘પણ આ રમકડું એના હાથમાં આવ્યું, ક્યાંથી?’

‘એ હું તમને નિરાંતે કહીશ… એની તો બહુ લાંબી વાત છે, શારદાએ કહ્યું: ‘હમણાં તો તમે ઝટ જવાબ કહેવરાવી દિયો એટલે એના જીવને નિરાંત થાય.’

‘ચંપાને તમે ભલે કહો કે પરભુલાલ મારું જ નામ છે; પણ બીજા કોઈને આ વાત કરવાની નથી—’

‘કારણ?’

સંદેશો અને સંકેત
૩૨૯