આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘પણ તને કોણે આ વાત કહી?’ નરોત્તમે પૂછ્યું.

‘ચંપાએ જ વળી, બીજું કોણ કહે? તમને મજૂરી કરતા જોઈને, બિચારીને ભોંય ભારે પડે એટલી ભોંઠામણ થઈ પડી. ને પછી છાને ખૂણે રોઈ રોઈને અરધી થઈ ગઈ—’

‘ખરેખર?’

‘નહીં ત્યારે? બિચારીથી કોઈને કહેવાય પણ નહીં, ને સહેવાય પણ નહીં, આવું નાટક તમે તો ભજવેલું,’ કહીને શારદાએ સીધો પ્રશ્ન ફેંક્યો: ‘તમને જરાય દયા પણ નથી આવતી?’

હવે નરોત્તમને સમજાયું કે શારદાને વિશ્વાસમાં લીધા વિના છૂટકો નથી. તેથી એણે પોતાના રાજકોટનિવાસનો અથથી ઇતિ ઇતિહાસ રજૂ કરી દીધો. કીલા કાંગસીવાળાનો પરિચય આપ્યો. કીલાની દોરવણી તળે જ પોતે આગળ વધી રહ્યો છે એ સમજાવ્યું, સ્ટેશન ઉ૫૨ જે કહેવાતી ‘મજૂરી’ કરેલી એમાં પણ કીલાનું જ સૂચન હતું એની ખાતરી આપી.

આ બધો ઘટસ્ફોટ કરતી વેળા નરોત્તમની નજ૨ તો ચંપાએ મોકલેલ પેલા સંજ્ઞાસૂચક રમકડા ઉપર જ કેન્દ્રિત થયેલી હતી.

નરોત્તમની આ નિખાલસ વાતો સાંભળી શારદાને એની નિષ્ઠા અંગે પ્રતીતિ થઈ. એ પ્રતીતિને કા૨ણે જ એણે સૂચક પ્રશ્ન પૂછ્યો: ‘તો પછી, હવે મેંગણી જઈને ચંપાને હું શું જવાબ આપું?’

સાંભળીને, પેલી યુગલમૂર્તિ સામે તાકી રહેલા નરોત્તમના મોઢા ઉપર ગંભીરતા છવાઈ ગઈ. પોતે વિચાર કરતો રહ્યો એટલી વારમાં શારદાએ ફરી વાર પૂછી નાખ્યું:

‘ચંપાએ આ રમકડું મોકલીને એના હૈયાની વાત કહેવડાવી. હવે તમે શું કહેવડાવો છો?’

નરોત્તમ જાણે કે મૂંઝવણ અનુભવી રહ્યો હોય એમ મૂંગો મૂંગો મંચેરશાના દીવાનખાનામાં નજર ફેરવવા લાગ્યો.

સંદેશો અને સંકેત
૩૩૧