આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સૂઝતું નહોતું. જેમ જેમ મંચે૨શા મજાક કરતા જતા તેમ તેમ નરોત્તમ વ્યગ્ર થતો જતો હતો. એવામાં જ, મંચેરશાની નજ૨ ખાલી ટિપૉય ઉપર પડી, અને ત્યાં સારસ-બેલડી ન દેખાતાં પૂછ્યું:

‘અરે! અહીં પેલું સ્ટૉર્ક પડેલું હતું તે ક્યાં ખસેડિયું?’

‘ખસેડ્યું નથી, એ તો ગયું, ઊડી ગયું,’ નરોત્તમે કહ્યું, ‘સારસ પંખીને પાંખ આવી—’

મંચેરશાને આમાં કશું સમજાયું નહીં અને મૂંઝવણમાં માથું ખંજવાળતા રહ્યા એટલે નરોત્તમે વધારે મૂંઝવણપ્રેરક ઉક્તિ ઉચ્ચારી:

‘પંખી ઊડી ગયાં, ને એને બદલે આ માણસ આવી ગયાં.’

અને શા૨દાએ આપેલું પેલું રમકડું ટિપૉય પર ગોઠવતાં કહ્યું: ‘પંખીને બદલે હવે આ બે માણસ અહીં શોભશે–ગોરા સાહેબ ને એની મઢમ—’

ભલાભોળા મંચેરશા ગજબની ગૂંચવણમાં પડી ગયા.

‘મૂંગા પંખી કરતાં બોલતાંચાલતાં માણસ વધારે સારાં.’

નરોત્તમ એકેક અર્થસૂચક વાક્ય બોલતો જતો હતો અને મંચેરશાના મનમાં જામેલી ગૂંચવણ ઉકેલવાને બદલે વધારે ગૂંચવાતી હતી.

‘આઈ તારા નાતકમાં મુને તો કાંઈ સમજ પડતી નથી!’ આખરે મંચેરશાએ કહ્યું,

નરોત્તમને આશ્ચર્ય થયું. થોડી વાર પહેલાં શારદા આવેલી ત્યારે એણે પણ ‘નાટક’નો શબ્દપ્રયોગ કરેલો. સંભવ છે કે, કદાચ ચંપાએ પોતે જ એ શબ્દ શારદાને કહ્યો હોય. અને એમાં ખોટું પણ શું હતું? રેલવે સ્ટેશન ઉપર મજૂરનું પાત્ર ભજવનાર ‘પરભુલાલ’ના નામાભિધાન વડે મોટો વેપાર ખેડનાર અને એ રીતે પોતાની વાગ્દત્તાને પણ વિમાસણમાં નાખી દેના૨ માણસની પ્રવૃત્તિને ‘નાટક’ ન કહેવાય તો બીજું કહેવાય પણ શું?… અત્યારે મંચેરશાએ સાહજિક રીતે જ શબ્દપ્રયોગ કર્યો એ નરોત્તમને બહુ સૂચક લાગ્યો અને તેથી જ

સ્વાર્થનાં સગાંઓ
૩૩૭