આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અર્જુન તો હતો એ જ હતો, ને એનાં ધનુષબાણ પણ એ જ હતાં. પણ એક સમે એને કાબા લૂંટી ગયા ને બીજે સમે એણે એ જ ધનુષબાણથી મચ્છવેધ કરી નાખ્યો, ને દ્રૌપદીને પરણી આવ્યા—’

‘તમારો સમો પણ અત્યારે બળવાન છે, તો અર્જુનની જેમ મચ્છવેધ કરી નાખો,’ નરોત્તમે કહ્યું, ને પછી, બીતાં બીતાં મજાકમાં ઉમેર્યું: ને ઘરમાં દ્રૌપદીની પધરામણી થવા દો—’

‘પધારો! પધારો!’ બારણા ત૨ફ જોઈને કીલો ઉમંગભેર બોલી ઊઠ્યો.

નરોત્તમે જોયું તો બારણામાં એક કંગાલ ડોસો ઊભો હતો. એના કરચલીઆળા ચહેરા ૫૨ મૂર્તિમંત દૈન્ય દેખાતું હતું. થાગડથીગડ સાંધેલાં કપડાં એની દરિદ્રતા સૂચવતાં હતાં. નિસ્તેજ આંખોની પાંપણ ઉપ૨ કોઈ અકથ્ય મૂંગી અંતરવેદનાનો ભાર તોળાતો હતો.

‘પધારો, જૂઠાકાકા, પધારો!’ કીલો ઊભો થઈને કોઈ ઉપરી અધિકારીનું સ્વાગત કરતો હોય એ ઢબે આદરપૂર્વક ઉંબરા સુધી પહોંચ્યો.

આવાં આદરમાન જાણે કે વધારે પડતાં લાગ્યાં હોય એવા સંકોચ સાથે ડોસો એક પગલું પાછો હટી ગયો.

‘અંદર આવો, અંદર આવો! બેસો!’ કરીને કીલો આ આગંતુકને પ્રેમપૂર્વક ઓરડામાં દોરી લાવ્યો, ને સરકારી ખુરસી પર બેસવાનું કહ્યું.

જાણે કે ખુરસી જેવું અમીરી બેસણું જોઈને જ પોતે ભડકી ગયો હોય એમ ડોસો ગભરાતો ગભરાતો ભોંય ઉપર બેસી ગયો.

‘નીચે બેસાય, કાકા?’ કીલાએ ફરી એને ખુરસી પર બેસવા આગ્રહ કર્યો.

‘મને કાકા કાકા કહીને શરમાવો મા, કામદાર!’ ડોસાએ પહેલી જ વાર ધ્રૂજતાં ધ્રૂજતાં આટલા શબ્દો ઉચ્ચાર્યા. ‘હું તો તમારા બાપુનો વાણોતર—’

સ્વાર્થનાં સગાંઓ
૩૪૩