આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મીઠું મલકી ઊઠેલી અને એના મલકાટનો જાણે ચેપ લાગ્યો હોય એમ નરોત્તમ પણ હસી પડેલો. તેથી આ ત્રણેય જુવાન હૈયાનું ઊભરાતું હાસ્ય મોટેરાંઓએ જોયું હોત તો એમના મનમાં ગે૨સમજ થવા પામી હોત.

સારું થયું કે પુરુષવર્ગ અત્યારે વાસ્તુવિધિ માટે તૈયાર થતા યજ્ઞકુંડનું નિરીક્ષણ કરી રહ્યો હતો. અને લાડકોર, આ નવી મેડીમાં ઉતારેલાં નવી ઢબનાં આરિયાં–કબાટ—ખોલીને એમાં રહેલી છૂપાં ‘ચોરખાના’ની કરામત સંતોકબાને સમજાવી રહી હતી.

બાલગંધર્વ બાલુએ આ દરમિયાન પોતાના કિન્નરકંઠનો પરચો આપવા એકાદબે કર્કશ ગીતો ગાવાનો પ્રયત્ન કરી જોયેલો. પણ દકુભાઈ સિવાય બીજા કોઈ શ્રોતા તરફથી ‘દુબારા !’ કે ‘માશા અલ્લા !’ની દાદ નહીં મળતાં એ બિચારો કલાકાર જીવ નાસીપાસ થઈને ઘરભેગો થઈ ગયેલો; પણ ઘરઆંગણે એ એકલો પડી ગયો અને ‘ભોક્તા વિણ કલા નહીં’ના સૂત્રનું સત્ય સમજાતાં એ ફરી નવી મેડી ત૨ફ દોડી આવ્યો અને નીચેથી જ હાક મારીઃ

‘રસોઈ થઈ ગઈ છે. મહારાજ જમવા બોલાવે છે…’

‘ચાલો, ચાલો,’ કરતાં સહુ નીચે ઊતરતાં હતાં ત્યાં એમાં ચંપા અને નરોત્તમ જ ખૂટતાં જણાયાં.

‘ક્યાં ગઈ ચંપા ? ક્યાં ગઈ ચંપા ?’ ઘડીભર તો સંતોકબા બિચારાં જીવ બાવરાં બની ગયાં. ખુદ લાડકોર પણ વિમાસણ અનુભવી રહી.

સારું થયું કે આ નાજુક પ્રશ્ન બહુ વધારે વાર ચર્ચાયો નહીં. તુરત જસી ઉપલા માળની બંગલીમાં દોડી ગઈ અને મોટેથી જાહેર કર્યું :

‘ચંપાબેન ને નરોત્તમભાઈ અહીં છે…’

આ સાંભળનારાં સહુ પોતપોતાની રીતે જુદા જુદા વિચારો કરવા લાગ્યાં.

ચંપા અને નરોત્તમ શરમાતા શરમાતાં નીચી મૂંડીએ દાદર ઊતર્યાં.

૩૪
વેળા વેળાની છાંયડી