આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘તમે?… તમે?…’ હર્ષાવેશના અતિરેકથી ડોસાનો અવાજ ગદ્‌ગદિત થઈ ગયો. બોલ્યા: ‘પણ… પણ… આ તો પારકું પાતક—’

‘મારે માથે ઓઢી લઈશ!’ કીલાએ દૃઢ નિર્ધાર જણાવી દીધો.

ડોસાને અત્યારે આ માણસ તારણહાર લાગ્યો; અધમોદ્ધારકથીય અદકો જણાયો. એણે દાખવેલા આત્મભોગ બદલ અહેસાન વ્યક્ત કરવા માટે આ અભણ વૃદ્ધ પાસે યોગ્ય શબ્દો નહોતા; એ તો લાગણીના અતિરેકમાં ઢગલો થઈને કીલાના પગમાં ઢળી પડ્યો અને હર્ષાશ્રુની અણખૂટ ધારા વડે આ ઉદ્ધારકના બંને પગના પોંચાને પખાળી રહ્યો.

કીલાએ બે હાથ ઝાલીને ડોસાને ઊભા કરતાં કહ્યું: ‘કાકા, ઊભા થાવ, ઊભા. મને શ૨મમાં નાખો મા. હું તો તમારું છોકરું ગણાઉં… તમે તો મારા બાપુના ઠેકાણે છો… મને આશીર્વાદ આપો કે હું સુખી થાઉં—’


૩૫૮
વેળા વેળાની છાંયડી