આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રૂપિયાની નોટ નહોતી ભાળી, એની પાસે આજે લાખ લાખ રૂપિયાનો કસ થઈ ગયો ને મંચેરશા જેવા મુંબઈવાળા શેઠિયા જે મૂળથી જ લખપતિ જેવા હતા, એ આજે કરોડપતિમાં ગણાઈ ગયા છે—’

‘એ તો ભરતામાં ભરાય—’ લાડકોરે ટાપશી પૂરી.

‘પણ ભરતામાં એટલું બધું નાણું ભરાઈ ગયું છે, કે હવે એની નિકાસ કરવાની મૂંઝવણ ઊભી થઈ છે. પતિએ પત્રમાંથી વધારે માહિતી આપી: નરોત્તમ લખે છે કે મુંબઈના સહુ વેપારી હવે જમીન ને મકાન ખરીદવા મંડ્યા છે. રૂના મોટા વેપારીઓએ છ-છ, સાત-સાત માળના જૂના માળા ખરીદી લીધા ને નવા નવા બંધાવવા માંડ્યા છે. પણ માંગ એટલી બધી જબરી છે, કે જમીનનો હાથ એકનો કટકોય ક્યાંય ગોત્યો જડતો નથી—’

‘આ તો ભારે અચરજની વાત! જમીનની તે ક્યાંય ખેંચ પડતી હશે?’ લાડકોરે પૂછ્યું.

‘મુંબઈમાં ચારે કોર દરિયો રહ્યો ને એટલે ખેંચ પડે,’ ઓતમચંદે સમજાવ્યું. ‘વધારે જમીન જડતી નથી, એટલે હવે મુંબઈનો દરિયો પુરાય છે−!

‘જાવ જાવ! દરિયો તે કોઈ દી પુરાતો હશે?’

‘પણ આ કાગળમાં ખોટું લખ્યું હશે? પતિએ ફરી લેખિત પત્રનો હવાલો આપ્યો. ‘મુંબઈમાં દરિયો પૂરવા સારુ એક કંપની ઊભી થઈ. એના શેરના પણ ત્રણસો ટકા જેટલા ભાવ વધી ગયા. મંચેરશા અને નરોત્તમે ભાગીદારીમાં આ કંપનીના શેર લીધા’તા. એમાં તેજીનો મોટો તડાકો થઈ ગયો—’

‘ભાગ્યશાળીને ઘેર ભૂત રળે, એના જેવી વાત થઈ!!

‘નરોત્તમ લખે છે કે મંચેરશા તો મુંબઈમાં સાત ભોંયવાળો માળો બંધાવે છે—’

જ્યોત ઝગે
૩૬૫