આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૩૭

બંધમોચન
 


‘શું છે, મોટા?’ મુંબઈના શું સમાચાર છે?’ કીલાએ લહેરી અદાથી નરોત્તમને પૂછ્યું.

‘મુંબઈના તો બહુ સારા સમાચાર છે. પણ તમારા શું સમાચાર છે?’ નરોત્તમે સામો સૂચક પ્રશ્ન પૂછ્યો.

‘મારા પણ બહુ સારા સમાચાર છે,’ કીલાએ કહ્યું.

‘શું છે, કહો જલદી.’

‘ના. પહેલાં મુંબઈના સમાચાર કહી સંભળાવ, પછી મારા.’

‘મુંબઈ તે હાલકડોલક છે,’ નરોત્તમે કહ્યું.

‘શેમાં હાલકડોલક છે?’

‘તેજીના તડાકામાં. નાણાંની છાકમછોળ ઊડે છે. મુંબઈમાં નાણું સોંઘું થાય છે, પણ માણસ મોંઘાં થઈ ગયાં છે. રૂની ગાંસડી જેટલાં મોંઘાં…’

‘એટલે જ અત્યારે મંચેરશા અહીં દેખાતા નથી,’ કીલાએ બંગલામાં આમતેમ નજ૨ ફેરવીને કહ્યું. ‘રૂના વેપારમાં લખપતિ થઈ ગયા એટલે હવે આ જૂના ભાઈબંધનો ભાવ પણ નહીં પૂછે—’

‘મંચે૨શા એની અગિયારીએ ગયા છે. હમણાં આવી પહોંચશે,’ નરોત્તમે કહ્યું. ‘કીલાભાઈ, મુંબઈમાં હમણાં જમીન ને મકાનમાં નાણાં રોકવાનો એવો તો વાય૨ો ચાલ્યો છે, કે મંચેરશા વતી એક માળાનો સોદો કરતો આવ્યો છું—’

‘મંચેરશા માળાવાળા થાશે, ત્યારે એનો ભાગીદાર માળા વિના રહેશે?’ કીલાએ પૂછ્યું. અને પછી હસતાં હસતાં સૂચન કર્યું, તું

૩૭૮
વેળા વેળાની છાંયડી