આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નાખનાર અને કુટુંબને પરેશાન કરનાર રાજવીનો પુત્ર અજુભા. આ બેમાંથી કયા માણસનો નાતો જાળવવો? શૈશવકાળના મિત્રનો? કે બાપના વે૨ીનો?

કીલાને બીજી પણ એક દ્વિધા પજવતી હતી, પોતે જે અમલદારી હોદ્દો ભોગવી રહ્યો છે. એ હોદ્દાનો ઉપયોગ આવા કામ માટે ક૨વો યોગ્ય ગણાય? અજિતસિંહને ઉગારી લેવામાં બીજા કોઈને અન્યાય તો નહીં થઈ જાય?’

આખી રાત આવા મનોમંથનમાં વિતાવ્યા પછી કીલાએ સવારના પહોરમાં જ અજિતસિંહ અંગેના ખાનગી દફતરનાં કાગળિયાં ફરી વાર વાંચી જોયાં અને જ્યારે જણાયું કે અજિતસિંહને ઉગારવાથી કોઈ વ્યક્તિને અન્યાય થવાનો ભય નથી, ત્યારે એણે એ. જી. જી. સમક્ષ સૂચન મૂક્યું:

‘ન્યાયના સિદ્ધાંતનો ભંગ ન થતો હોય તો દરબાર ઉ૫૨ દયા કરો!’

ગોરા સાહેબ થોડી વાર તો આ ગરવા શિરસ્તેદાર સામે જોઈ જ રહ્યા. પછી પૂછ્યું:

‘દયા? દેવળિયાના દરબાર ઉપર દયા?’

‘હા.’

‘હેમતરામ કામદારનો દીકરો જ દેવળિયાના દરબાર ઉપર દયા કરવાનું કહે છે?’

‘હા સાહેબ.’

‘બૅરિસ્ટરને જેણે ઝેર આપેલું એના દીકરાને બચાવવાની વાત તમે કરો છો?’

‘બાપનું વેર બાપુ સાથે ગયું. હવે જૂનાં વેરઝે૨ સંભારવાથી શું ફાયદો?’ કીલાએ કહ્યું, ‘બાપુ તો સાગ૨પેટા હતા. એને કોઈ ઉપર વેરભાવ નહોતો. અજુભા ઉપર આપણે દયાભાવ દાખવશું તો તો બાપુનો આત્મા જ્યાં હશે ત્યાં રાજી થાશે.’

બાપનો વેરી
૩૯૫