આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પોતે હોંશે હોંશે બંધાવેલી નવી મેડી એક વાર વેચી નાખ્યા પછી એમાં ફરી વાર વસવાટ કરી રહેલાં પતિપત્ની વચ્ચે વહેલી પરોઢમાં આ વાતચીત ચાલી રહી હતી.

‘વેપા૨ તો બારેય મહિના કરવાનો જ છે ને!’ લાડકોર કહેતી હતી, ‘લગન-અવસર તો કોક વા૨ જ આવે—’

‘પણ હું લગનને દિવસે આવી પહોંચીશ,’ ઓતમચંદ ખાતરી આપતો હતો.

‘છેલ્લી ઘડીએ આવો એ શોભે? મારા દકુભાઈને કેટલું માઠું લાગે!’

‘તમે અને બટુક વહેલે૨ાં જાવ છો, એટલે બહુ માઠું નહીં લાગે ને હું પણ લગનને દિવસે ઘોડી ઉપર આવી પૂગીશ—’

ગાડીમાં બેઠાં બેઠાં પાવો વગાડી રહેલા બટુકે ફ૨ી બૂમ પાડી ‘બા, ઝટ હાલોની, હવે તો દેવચકલી ચારો ચણવા ઊડી ગઈ હશે—’

સાંભળીને ઓતમચંદે પત્નીને કહ્યું, ‘હવે બહુ ખોટી થાવ મા, બટુક બિચારો અથરો થઈ ગયો છે—’

‘પણ તમે લગનને દિવસે તો સાચોસાચ આવી પગશો જ ને?’ લાડકોરે ઓસરીનાં પગથિયાં ઊતરતાં ઊતરતાં પૂછ્યું.

‘એમાં કાંઈ કહેવું પડે મને?’

‘તમારા આવ્યા વિના મારો દકુભાઈ બાલુની જાન નહીં જોડે હોં !’

‘દકુભાઈનાં હેત-પ્રીત હું ક્યાં નથી જાણતો?’

‘તો ઠીક!’ કહીને પતિ ઈશ્વરિયે અચૂક આવી પહોંચશે એની ખાતરી થયા પછી જ લાડકોર ઘોડાગાડીમાં બેઠી.

‘આટલું બધું જ૨જોખમ ભેગું છે એટલે જરાક જાળવીને જાજો હોં, વશરામ!’ ઓતમચંદે ગાડીવાળાને સૂચના આપી.

‘એમાં કહેવું ન પડે. મારગ આખો જાગતો છે. સોનાના ચરુ લઈને નીકળીએ તોય કોઈનો ભો નહીં,’ કહીને વશરામે ગાડી હંકારી.

૩૯૮
વેળા વેળાની છાંયડી