આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જાણતી જ હતી. પણ પતિને એ અંગે વાકેફ કરતાં એ અચકાતી હતી. સાળાની ગેરહાજરીથી ઓતમચંદ આટલા બધા અકળાઈ ઊઠશે એવી તો લાડકોરને કલ્પના પણ નહોતી.

લાડકોર કામે વળગી પણ કામમાં એનું ચિત્ત ચોટ્યું નહીં.

દરમિયાન દકુભાઈને તેડવા ગયેલા ટપૂ કણબીએ આવીને ઓતમચંદને સમાચાર આપ્યા:

‘દકુભાઈને સુવાણ નથી એટલે સૂતા છે. એણે કીધું છે કે મારી વાટ જોજો મા.’

પડખેના ઓરડામાં લાડકોરે આ વાક્ય સાંભળ્યું અને સગા ભાઈની આવી વિચિત્ર વર્તણૂક જાણીને એ મનમાં ને મનમાં સળગી રહી.

હવે લાડકોરને લાગ્યું કે પતિને સાચી હકીકતની જાણ કરવાની જરૂ૨ છે. જે વાત વહેલી કે મોડી છતી થયા વિના રહેવાની જ નથી એને હવે છુપાવવાનો નિષ્ફળ પ્રયત્ન શા માટે કરવો ? આમ વિચારીને લાડકોર બહાર ઓશરીમાં આવી ત્યાં તો મકનજી મુનીમે કહ્યું:

‘શેઠ તો ગયા દકુભાઈને ઘેર… પગમાં પગરખાં પહેરવાનુંય ભૂલી ગયા…’

લાડકોર મૂંગી મૂંગી સાંભળી રહી. મુનીમ વધારે મર્માળાં વાક્યો ઉચ્ચારતો રહ્યો:

‘પગરખાં તો ભુલાઈ જ જાય ને ! દકુભાઈ પથારીએ પડ્યા છે એમ સાંભળ્યા પછી શેઠનો જીવ કેમ હાથ રહે ?’

મુનીમ આ બધું દાઢમાંથી બોલે છે એ સમજતાં ચતુર લાડકોરને વા૨ ન લાગી. મુનીમ અને દકુભાઈ મૂળથી જ મળતિયા હતા એ હકીકત લાડકોર જાણતી હતી. અને આજે સવારે બની ગયેલ બનાવની પણ દકુભાઈએ મુનીમને જાણ કરી દીધી છે. દકુભાઈની ગેરહાજરીનું કારણ મુનીમની જાણ બહા૨ નથી જ, એ વાત લાડકોર પામી ગઈ.

રંગમાં ભંગ
૩૯