આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હું સાત ભવેય નહીં છૂટું…’

લાડકોરે પાંપણમાં પ્રયત્નપૂર્વક ખાળી રાખેલાં આંસુ સગા ભાઈની આવી આર્તવાણી સાંભળીને દડદડ કરતાં સરી પડ્યાં. સમ૨થે એમાં પોતાનો વિજય વાંચ્યો.

લાડકોરને રડતી જોઈને દકુભાઈ પણ ગળગળો થઈ ગયો. એણે કહ્યું:

‘બેન, કોચવા મા, હવે બવ કોચવા મા. આપણાં અંજળપાણી ખૂટી ગયાં લાગે છે. બધી લેણદેણની વાત છે. જા બેન, ઘે૨ જા.’

પળે પળે વધતી જતી પતિની આ લાચારી જોઈને સમરથનો વિજયોન્માદ પણ વધતો જતો હતો. આખરે એણે પરાજિત લાડકોર તરફ અસીમ તુચ્છકારથી હાથનો અંગૂઠો બતાવ્યો.

અને તુરત તલવારની ધાર જેવી તેજીલી લાડકોરનો પુણ્યપ્રકોપ પ્રજ્વળી ઊઠ્યો:

‘હં… અ… ને, તું ત્રણ ટકાની તરકડી જેવી ઊઠીને મને અંગૂઠો બતાવવા નીકળી છો ? તારા ઉપર આટઆટલા ગણ કર્યા એનો સામેથી આવો અવગણ ? સગી ભોજાઈનું ઘર ગણીને હું ભાઈબાપા કરતી આવી એનો મને આવો સ૨પા આપે છે ? મારા સાત ખોટના દીકરાના સમ દીધા એનીય તને કાંઈ શરમ ન આવી ?’

શ્વાસભેર આટલું બોલી જઈને લાડકોરે પોતાનો આખરી નિર્ણય સંભળાવી દીધો:

‘તો જાવ, આજથી મારેય તમા૨ા ગોળાનું પાણી ન ખપે. તમા૨ા ઘ૨નો દાણો મારે મન ગાયની માટી સમજજો. મારી જનેતાએ ભાઈને જણ્યો જ નહોતો એમ હું આજથી સમજી લઈશ.’

અને લાડકોર ઝડપભેર પીઠ ફેરવી ગઈ.

પચ્છમબુદ્ધિ દકુભાઈ અચાનક આવેશમાં આવી જઈને પોકારી ઊઠ્યો: ‘બેન ! બેન !’

૬૦
વેળા વેળાની છાંયડી