આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




લોકજીવનનો અધ્યાસ

પુસ્તકની પ્રસ્તાવનામાં નવલકથાની સફળ પૂર્ણાહુતિના ખાટસવાદિયા જશભાગીઓની નામાવલિમાં શ્રી મડિયાએ મારા નામનો પણ ઉમેરો કરીને તેનું મૂલ્યાંકન કરવાનું મારું કામ અમુક અંશે અનુચિત બનાવી દીધું છે. છતાં આ અવલોકન લખતાં મને ખાસ ક્ષોભ થતો નથી તેનાં બે કારણ છે: એક, એ કે આ પુસ્તકની ‘જનશક્તિ’ના વાચકોને મારે સિફારસ કરવી નથી; કેમ કે એવી સિફારસ તો, આ કથા વાર્તારૂપે આ પત્રમાં પ્રગટ થતી હતી તે દરમ્યાન પ્રત્યક્ષ રીતે સેંકડો અને પરોક્ષ રીતે હજારો વાચકોએ સામેથી મને અને લેખકને કરેલી છે. બીજું, આ વાતનો રસાસ્વાદ એ પ્રસ્તાવના લખાય તે પહેલાં જ હું માણી ચૂકેલ છું. એનું રસદર્શન એ વખતે જે રીતે અને જે કારણોસર થયેલું તેથી વિશેષ અહીં કંઈ કહેવાનો મારો ઉદ્યમ નથી.

આ વાર્તા વાંચવાની શરૂઆત મેં ધંધાદારી ફરજરૂપે કરેલી અને પછીથી વાચનની બેત્રણ આવૃત્તિઓ ધંધાદારી કરતાં રસપિપાસુ વાચક તરીકે જ કરેલી. તે પછીથી વરસેક દિવસે એ જ વાત ફરી પુસ્તક રૂપે હાથમાં આવી ત્યારે એટલા જ રસપૂર્વક ફરીથી વંચાશે કે કેમ એવી થોડી શંકા હતી, પરંતુ ચાલુ વાર્તા તરીકે છપાતી હતી, તેના કરતાં આમાં લેખકે કાંઈ ફેરફાર કર્યા છે કે કેમ, એવી જિજ્ઞાસાથી પાનાંઓ પર નજર નાખવા લાગ્યો; અને શું કરી રહ્યો છું તેની ખબર પડે તે પહેલાં તો આખીયે નવલકથા લગભગ એક જ બેઠકે ફરીથી વંચાઈ ગઈ. આવી એની રસાત્મકતા છે. રસજ્ઞ વાચકની સરેરાશમાં જો મારો સમાવેશ થઈ શકે તો નવલકથાના ગુણની પ્રશંસામાં એથી વિશેષ કાંઈ કહેવાનું ભાગ્યે જ જરૂરી ગણાય.