આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પણ ઘ૨ના કોઠા૨માંની સાચી શેર બાજરી સલામત બનાવવાની ચિંતા હતી. તેથી જ, એમણે ઓતમચંદની આ આપત્તિમાં થોડીઘણી આર્થિક મદદ કરવાની તૈયારી બતાવી. આવા મોટા ખોરડાની લાખ રૂપિયાની આબરૂ બચાવી લેવા માટે કપૂરશેઠે જરા સંકોચ સાથે પણ ખેલદિલીથી થોડી ધીરધાર ક૨વાની ‘ઑફર’ મૂકી.

‘એ વાત તો તમે કરજો મા’ ઓતમચંદે આ ઑફરનો ઘસીને અસ્વીકાર કર્યો. ‘તમારી પહેલાં અહીં ઘણાંય સગાંવહાલાં આવી ગયાં ને પોતપોતાની ગજાસંપત પ્રમાણે પાંચ પૈસા ધીરવાની વાત કરી ગયાં, પણ સહુને મેં એક જ જવાબ દઈ દીધો કે મારે માથે આટલું મોટું રણ છે જ, એમાં હવે પારકાના પૈસા લઈને વધારો નથી કરવો.’

‘પણ મને તમે પારકો ગણો છો ?’ કપૂ૨શેઠે પહેલી જ વાર ખાનદાનીભર્યો પ્રશ્ન પૂછ્યો.

‘તમે તો પંડના કરતાંય અદકા છો, સહુથી વહાલા સગા છો, પણ પારકી તુંબડીએ કેટલુંક તરાય ? માગ્યે ઘીએ બહુ બહુ રોટલી ચોપડાય, ચૂરમાના લાડવા ન વળાય. સમજ્યા ને ?’

‘પણ તમારી ભીડને ટાણે અમે ભેગાં ન ઊભાં રહીએ તો પછી અમે સગાં થયાં શું કામનાં ?’ કપૂરશેઠે ચંપાનું શાણું સૂચન યાદ કરીને ફરી વાર આગ્રહ કર્યો.

અને ઓતમચંદે એટલા જ આગ્રહપૂર્વક એ ‘ઑફર’નો અસ્વીકાર કર્યો: ‘જુઓ શેઠ, મારા ઉપર તો અટાણે આભ ફાટ્યું છે, એમાં તમ જેવા કેટલાંક થીંગડાં દઈ શકશો ?’ અને પછી ફરી વાર એ જ જૂની ઉક્તિ ઉમેરી: ‘જેવી હરિની ઈચ્છા !’

૮૨
વેળા વેળાની છાંયડી