આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


પ્રજાનો પ્રાણ બપૈયાની દશા ભોગવી રહ્યો છે. આપણે એ તરફ આંખમીંચાણા ક્યાં સુધી કરીશું? જૂનું લોકસાહિત્ય પ્રજાનાં દિલ ડોલાવે છે, પણ જૂના જીવનમાંથી પ્રજાએ જે નવો પલટો લીધો છે, તેને અનુરૂપ એવું નવું સાહિત્ય સરજાયા વગર માત્ર જૂનાનો મેળ પ્રજાના નવા ઉદ્‌ભવેલા મનોરથો સાથે નથી મળવાનો. જૂનું આપણને પ્રેરણા આપે, વાટ દેખાડે, પોતાનું ક્લેવર આપણને વાપરવા માટે આપે, પણ તેમાં પ્રાણ તો નવો પૂરવો જ જોઇએ. એ આપણી ભાષા–દરિદ્રયની ફરીઆદને જૂઠી ઠરાવે; ભાતોની ગોઠવણી, વાક્યોની રચના, રંગોની પૂરણી વગેરે સભર ભર શીખાવે; પણ નવયુગે આપણને ભેટ દીધેલી સુરમ્ય કલ્પનાઓ, વિશાલતમ ભાવનાઓ, સંસ્કારભીની ઉર્મિઓ, એ બધું તો આપણે જૂના ચિત્રપટમાં પ્રયત્ન કરીને પૂરવું જ રહ્યું.

જૂનાં લોકગીતો, સુભાષિતો ને વાર્તા કથાઓ આપણેને જો નવું સૃજવાની શક્તિ ન આપે તો એના બે અર્થ થાય. કાં તો એ જૂનામાં કદિ ખરી પ્રાણશક્તિ જ નહોતી, અથવા તો એ જૂનાની પ્રેરણા ઝીલવાનું કૌવત આપણી રસિકતામાં રહ્યું જ નથી. પરંતુ એ વાતને તો કવિ ન્હાનાલાલ, બોટાદકર, ત્રિભુવન વગેરેએ જૂઠી પાડી છે. એ બન્ને સમ્પત્તિઓ આપણી પાસે મોજૂદ છે. પણ આપણામાં એક માન્યતા પ્રવર્તે છે કે poets are born not made : જન્મથી જ કાવ્ય–પ્રતિભા લઈ આવનારાઓ જ કવિ થઇ શકે છે, કવિઓ કાંઇ અહીં તૈયાર કરી શકાતા નથી: આ સત્ય હશે. પણ જન્મગત પ્રતિભાને યે પ્રગટ થવાનો જે સ્વભાવિક અવકાશ લોકોને મળતો