આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આપણે સહુયે – અથવા ઘણાયે – લોકસાહિત્યના અંતરમ ઝરણની સાથે આપણી ઉર્મિની કોઇ એક નીક જોડી દઇએ તો સ્હેજે એ સરવાણી આપણી વાટે વહાવી શકીએ છીએ. કાંઈ નહિ તો ન્હાનાં ભાઇ બ્હેનોની જીભને ટેટવે રમતાં થઈ જાય તેવા સુરમ્ય શબ્દનાં જોડકણાં તો જોડી શકાય. તેની પણ આજે ઓછી જરૂર નથી. બાલકોને બહુ કાળ સુધી અજીઠાં ને અપચો કરાવે તેવાં જોડકણાં ગાવા પડ્યા છે. વળી જમાનો એટલા વેગથી આગળ વધે છે કે ગઇ કાલનું રાંધેલું ધાન આજે ગમતું નથી.

મેં આ રચનામાં કઈ દૃષ્ટિ રાખી છે તે કહી દઉં. વિચારનો ઉદય આ રીતે થયો’ બે મુંઝવણ માલુમ પડી:

૧. અમૂક લોકગીતો પોતાને રાગે અને ભાવે કરી, શરૂની એકાદ બે પંક્તિ પૂરતાં અતિ સુંદર હોય છે, પણ ત્રીજી પંક્તિથી કાં તો ‘દાતણ, નાવણ, ભોજન, પોઢણ’ની અથવા ‘સોનીડા, દોસીડા, સુતારીડા’ની પુનરૂક્તિ જ મંડાઇ જાય. દાખલા તરીકે:

નીંદર ભરી રે ગુલાલે ભરી
આજ મોરી અખિયાં નીંદર ભરી રે
સામી બજારે વાણીડાનાં હાટ છે
ચુંદડી વોરવા સંચર્યાં જી – આજ૦

પ્રથમ બે પંક્તિઓનું શબ્દ-ચિત્ર એટલું સુંદર દેખાયું, ઢાળ પણ એવો મસ્ત લાગ્યો, કે હાલરડું રચવાની દૃષ્ટિ જાગી પરિણામે

નીંદર ભરી રે ગુલાલે ભરી
બેનીબાની આંખડી નીંદરભરી રે