આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાકારનું વેર
 


મીણનાં પૂતળાં બનાવતો હતો એ : સંતકુમારી જોનને હતભાગિની રાણી મેરી એન્તોનેતને, વોલ્ટરને, કૈંક કરુણ, ભયંકર, સુંદર કબ્રસ્તાનસૂતેલાંને કલાકારે પાછાં બોલાવ્યાં હતાં. એ મીણની આકૃતિઓને શિલ્પીએ જાણે કે જનેતા બની ગર્ભમાં સેવી હતી, પૂરે માસે વેદનાની વેણ્ય પુકારતાં પુકારતાં પ્રસવી હતી, ઉછેરી હતી, કલેજાં ચૂસાવીને ધાવણ ધવરાવ્યાં હતાં.

કલાકારને બીજું ભાન નહોતું. સ્ટુડીઓમાં એકલો એકલો જ એ પોતાનાં આ બચ્ચાં જોડે વાતો કરતો. એની આંગળીઓ પ્રત્યેક આકૃતિના દેહ ઉપર વહાલપ છાંટતી. દરેક પૂતળીના હમણાં ફફડી ઊઠશે એવા હોઠ અને મટક ન મારતાં નેત્રો પોતાના સર્જકના વદન ઉપર ભવ્ય રૂપ–ઝાપટાં છાંટતાં હતાં.

દેશના ઉમરાવજદા જોવા આવ્યા. અતિ–અતિ રાજી થયા ત્યારે કહી ગયા કે 'જુઓને, બહારગામ જઈએ છીએ. પાછા આવીને રાજકુળ જોડે તમારી ઓળખાણ કરાવી આપશું. બહુ ખુશી થયા અમે. લ્યો જય જય !'