આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
વેરાનમાં
 

કંપોઝીટર રહ્યો. પણ ઉનાળામાં તો સર્કસની કંપનીઓ જોડે ભમતો. ઘણા ઘણા ધંધા બદલ્યા કર્યા. કુતૂહલથી નહિ, પણ કંટાળાની વૃત્તિને કારણે હું દેશભરમાં રઝળુ બનીને ધુમ્યો.

વાંચતો પુષ્કળ, ડુમાથી લઈ સ્પેન્સર સુધી, ટચુકડી વાર્તાઓથી લઈ ટૉલ્સટોય સુધી, પણ પુસ્તકોની છાપ મારા મન પર ઘાટી ન પડી. વાંચતો હતો તે તો કંટાળો દૂર કરવાને કારણે, કેમકે દારૂ તાડી હું પીતો ન હતો. મારા દારૂડીઆ બાપે મારી મા ઉપર એવા તો ત્રાસ વર્તાવેલા, કે જેને જોઈ આઠ વર્ષની ઉમરે મેં દારૂ-તાડી બલકે બીડી ય ન પીવાનું નીમ લીધું હતું, (એ નીમ મેં ૧૯૧૯ સુધી પાળ્યું.) ને હું સ્ત્રીઓથી ડરી દૂર નાસતો.

૧૯૧૬માં મારો પહેલો લેખ એક છાપામાં છપાયો. બીજો મેં એક માસિકમાં મોકલવાની હીંમત કરી. બે અઠવાડિયા પછીનું એક પ્રભાત મારા જીવનનું સુખીમાં સુખી પ્રભાત બની ગયું. છાપખાનાના ભેજવાળા ભંડકમાં, જ્યાં હું કંપોઝીટરનું કામ કરતો હતો, ત્યાં આવીને ટપાલીએ મારા નામનો પોકાર કર્યો ને મારા હાથમાં એક કાગળ મૂક્યો.

એ હતો મેક્સીમ ગોર્કીનો કાગળ. મારા સાથીઓએ એ વાંચવા ટોળે વળીને મને વીંટી લીધો. સહુએ ત્યાં ને ત્યાં નક્કી કર્યું કે હું એક મહાપુરુષ હતો. અમારા મેનેજરનો પણ આવો જ મત પડ્યો. અને આ મહાપ્રસંગના ઉજવણા સારુ એમણે અમને દસ રૂપિયા એડવાન્સ તરીકે આપ્યા. દારૂ પી પીને તમામ ચકચૂર બન્યા. ને હુંય ચકચૂર તો બન્યો-પણ દારૂ પીધા વગર.