આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીકરાની મા
૩૯
 

પૂરુ વંચાય નહિ, આંખોમાંથી પાણી ઝરે, કોણ કહી શકે કે એ તો માનું કલેજું ચૂવે છે કે આંખોની નસો પીડા પામીને ટપકે છે ?

“હેં ભાઈ !” ડોશી પૂછતાં : “મારા બચ્ચાને તો જલમ-ટીપ દેવાના, ખરું ને ? ”

“દિયે ય ખરા !” દીકરાના સાથીઓમાંથી કોઈક બોલી ઊઠતું: “ ઈ તો ફાંસી ય દિયે ડોશીમા ! સત્તાની તો બલિહારી છે ને ?”

આવું સાંભળતી, છતાં કોણ જાણે શાથી ડોશીની સમતા ડગતી જ નહોતી. ભાંગલી દાંડીનાં ચશ્માં નાકે ચડાવીને ડોશીએ દોરી કાન ફરતી વિંટાળી. દીકરાના પુસ્તકોના થોકડામાંથી 'ચીતરની ચોપડીયું' તપાસી 'ચીતરની ચોપડીયું’ એટલે ઍટલાસ બુક. અંદર જગતના નકશો. નીલ સમુદ્રો, જહાજો, કારખાનાં, ભવ્ય પ્રાસાદો, પ્રતિમાઓ, સોના-ખાણો...ઓ હો હો હો !

ડોશી મોં વિકાસી રહી : “આવી મોટી ધરતી ! આટલી સમૃદ્ધિ પડી છે શું વસુંધરામાં ?”

“છતાં ય માડી ! ” દીકરાના સાથીઓએ સમજાવ્યું. “વસુંધરામાં ભીંસાભીંસ હાલી છે. લોક ક્યાંય સમાતું નથી. એકબીજાને ધકાવી ધકાવીને માનવી જીવે છે.”

મા તો 'ચીતરની ચોપડી’માં પતંગિયાનાં ચિત્રો નિરખી રહી.