આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
થોડુંક અંગત


૧૯૨૨ માં હું દિશાશૂન્ય હતો. કલકત્તાની નોકરી છોડીને કાઠિયાવાડમાં આવ્યો હતો. સ્થિર થવું હતું. ખેતીના ઉધામા ચડ્યા, વ્યાપારી સ્વજનો વ્યાપાર તરફ ખેંચવા લાગ્યા. દેશી રજવાડાની નોકરી પણ બહુ દૂર નહોતી. સહુ કોઈ ભાંગ્યાના ભેરુ જેવી શિક્ષણની નોકરી તો સામે જ ઊભી હતી.

ખરાબે ચડેલા નાવને મારા બેત્રણ લેખોએ બચાવ્યું. અમર રસની પ્યાલી, ચોરાનો પોકાર વગેરે લેખો 'સૌરાષ્ટ્ર' પત્ર પર ગયા, છપાયા, અને તે પરથી ભાઈશ્રી અમૃતલાલ શેઠે મારો ડૂબતાનો હાથ ઝાલ્યો.

અમૃતલાલ શેઠ પત્રકાર બન્યાને ત્યારે નવ જ મહિના થએલા. એમના સ્વયંસ્ફૂરિત પત્રકારત્વે ગુજરાતમાં નવી ભાત પાડી હતી, સૌરાષ્ટ્ર લેખન-શૈલી આજે જૂની થઈ છે. ચવાઈ ચવાઈ છોતાં જ રહ્યાં છે એનાં; એમાંથી સ્વાભાવિકતાનો આત્મા ગયો છે, પણ ૧૯૨૧-૨રમાં એ શૈલી લોકોને મુગ્ધ કરતી.

આવી નવીનતા ભાઈ અમૃતલાલની કલમમાં કોણે પૂરી હતી ? દેશી રાજ્યોની આપખુદી જોડે બાખડનાર લડાયક