આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
વેરાનમાં
 


“ખબર મળ્યા પછી આઠ દિવસે મારા અંતરમાં શોક જાગ્યો – પછી મને મોડી મોડી જાણ થઈ કે મારા બે ભાઈઓ, મારી એક બહેન, બહેનનાં છોકરાં, વગેરે તમામ સાજાં તાજાં ને સશક્ત હોવા છતાં ડોશીને માથે પડેલાં હતાં અને એ સહુનાં પેટ ભરવા સારું જ ડોશી દેવળને પગથિયે ભીખ માગવા જતાં હતાં. એ બધાંમાંથી કોઈને દાકતર બોલાવવાનું પણ સૂઝ્યું નહિ !”

અઢાર વર્ષના છોકરાને ઘરમાંથી વિદાય લીધાનો દિવસ યાદ આવ્યો, શહેરની મોટી નિશાળમાં ભણીને મોટા માણસ બનવાની લાલચ “જ્યારે મેં એક આગબોટમાં બેસી ગામનો કિનારો છોડ્યો, ત્યારે સ્ટીમરની ડેક ઉપરથી હું મોટી બાને ધક્કાની છેક કોર પર ઊભેલાં જોઈ રહ્યો હતો. એક હાથે ડોશી પોતાના હૈયા ઉપર મારે માટે દેવરક્ષાનો સ્વસ્તિક દોરતાં હતાં અને બીજે હાથે પોતાના લીરા લારા થઈ ગયેલ જૂના ઓઢણાને છેડે ભીની આંખો લૂછતાં હતાં.”

શહેરના એક ભઠિયારખાનાના ઊંડા ભેજવાળા ભંડકમાં પાંઉ રોટી વણતો વણતો પોતાની મુએલી દાદીને યાદ કરનાર આ કંગાળ વિધાર્થી અત્યારે 'ગોર્કી' નામના તખલ્લુસથી જગતભરમાં જાણીતો બન્યો છે. ને પોતાના વિરાટ રાષ્ટ્ર રશિયાના યુગપ્રવર્તક સાહિત્યકાર તરીકેનું મહાન બિરૂદ પામ્યો છે. તે દિવસે માસિક સિક્કા ત્રણના પગારથી એક ભઠિયારાને ઘેર મજૂરી કરતાં કરતાં એને મોટીબાના મૃત્યુ પર રડવા બેસવાની વેળા નહોતી. એ ફકત એટલું જ લખે છે કે: