આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ શબ્દોની પણ પુનરુક્તિ કરવાની જરૂર નહોતી; સુશીલાએ કરત પણ નહીં. જેઠના કાન સરવા હતા. એણે જવાબ આપ્યો:

"એનો જવાબ જોવે છે ? આપું ? ઊભાં રો." એમ કહી પોતે ઊઠવા જાય છે, ટેબલ પરથી 'સેઈફ'ની ચાવી ઉપાડે છે, પછી પાછા બેસી જાય છે. "કાંઈ નહીં. હમણાં નહીં. રત્ય વગરના ફળ કાચાં. રત્ય પાકવા દ્યો, વઉ, પછી એ તમારા સવાલનો જવાબ હું આપીશ. કહી રાખું છું તમને, કે એવાં મોળાં ઓસાણ મને આપશો મા. એની ફિકરમાં ને ફિકરમાં સુકાશો મા. તમારાં સૌનાં મન-મોં સદાના ઢીલાંઢફ ને નિસ્તેજ કેમ રહે છે, તેની મને ખબર છે. હું કાંઈ ઢોર નથી. હું કાંઈ ગામડિયો ભોટ નથી. હું ટાણાસર બધું જ કરીશ. પણ હમણે તો તમે ધરપત રાખીને આ ઝાંખાઝપટ ઘરની નિસ્તેજી ઉડાડો. આ બે'નને ગ્લાનિ કરાવો મા. બે'નને મારે એક ઠેકાણે લઈ જવી છે, જ્યાં એ મોકળા મનથી સંગીત શીખે, ભણતર ભણે, ભરે-ગૂંથે, ફરેહરે, એઈ...ને લે'રે કરે!"

સુશીલાએ એ શબ્દો અરધાપરધા જ સાંભળ્યા; એનું મન તો બાપુજી 'સેઈફ'ની ચાવી લઈને 'સેઈફ'માંથી શો ખુલાશો શોધવા જવાના હતા તે મુદ્દા પર રમતું હતું. બાએ કરેલા કટાક્ષનો કયો જવાબ 'સેઈફ'માં હતો? 'સેઈફ'માં મુકાયેલો એ કાગળ- એ દસ્તાવેજ શું બાની સમસ્યાનો ખુલાસો કરવાનો હતો?

એ કાગળમાં એવું શું હતું?

સુશીલાની કલ્પનાશક્તિના છેક ગોખ સુધી બેસવા આવતું એ રહસ્યપારેવું, હાય, કોણ જાણે કેમ પણ અંદર આવતું નહોતું - ગમ પડતી નહોતી.