આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એવું લાંબુંલચ હાસ્ય લીનાના, ગુજરાતી અક્ષરોને ચીપી ચીપી બોલવાના પ્રયત્નને જોડાઈ ગયું.

કોણ હશે એ બન્ને? એકને તો ઓળખી. સુખલાલના દિલમાં હરણફાળ ભરતી લાગણી ધસી. સુશીલા જ હોય, અન્ય કોઈ ન હોય. એટલી કુમાશથી કોઇ બીજું ક્યાં ગયા તેનો પત્તો ન પૂછે. પણ સાથે બીજું કોણ હતું? એની માતા? નહીં એને તો સુખલાલે જોઇ હતી, જરી જરી જાણી પણ હતી, લીનાએ વર્ણવેલું માતૃત્વભીનું રૂપ - અને ધરમાદો કરવા માટે પૈસા કાઢી આપવાની ઉદારતા - એ સુશીલાની જન્મદાત્રીમાં ન સંભવે. મોટાં સાસુ હોવાં જોઈએ. ભદ્રતાની એ ભરયૌવન મૂર્તિ આ જુવાનનાં નેત્રો સામે તરવરી ઊઠી.

લીનાને ઘેરથી નીકળ્યા પછી સારી એવી વાર સુધી સુખલાલ અબોલ રહ્યો. આવી ઊજળી બોણી થયા છતાં એણે ખુશાલી દેખાડી નહીં, આખરે ખુશાલભાઈએ જે ચુપકીદી તોડી: "શુકન કંકુના થયા, હેં સુખા! વેલાને ચડવાની વાડ મળી ગઇ. હવે તારો ગભરાટ માતર ગયો જાણજે. ફક્ત એક મંત્ર ન ભૂલજેઃ નજર ચોખ્ખી હશે તો જગત જખ મારે છે."

ખુશાલના છેલ્લા બોલમાં એના અંતરનો ભયનો ઓછાયો હતો, વણપરણેલી, ગોરી, જીવતા માણસનાં માંસ-ચામડાં ચૂંથનારી ને મળમૂત્ર ધોનારી એક ઇસ્પિતાલની નર્સ , એ જો જુવાન હોય તો ભય જન્માવનારી બને છે એવી ખુશાલની માન્યતા હતી. છતાં આ જૂના વર્ગનો આદમી જે ફિલસૂફી ધરાવતો હતો તે ફિલસૂફી નીરોગી હતી, એણે સુખલાલને કહ્યું કે, "આપણે આંખ ચોખ્ખી રાખીએ એટલે દુનિયા જખ મારે છે." એણે સામા માણસો તરફથી આવતી લાલચોની વાતો કરી નહીં. સ્ત્રીઓ આવા કે તેવા ફાંસલા બિછાવે છે તે પ્રકારનો વિષય છેડ્યો નહીં.આપણે તો પોતે જ સંભાળીને ચાલવું, એવી એ વિચારસરણીમાં એક મજા હતીઃ ફલાણી, ઢીકણી કે લોંકડી બાઈડીઓને નામે નબળી વાતો એ વિચાર તત્ત્વવાળા લોકોનાં મોંમાંથી નીકળી જ શકતી નથી.