આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પલાળતો પલાળતો ધરતી પર જડાઈ રહ્યો. કલેજાને વળેલી કળ ઊતર્યા પછી પિતાએ કહ્યું: "ઈશ્વરની દયા છે. દેશમાં આપણી પાસે દોલત નથી તો આબરૂ તો છે જ ને! આપણે આપણાથીયે ગરીબ ખોરડું ગોતશુ. બે ઠેકાણાં આપણા વળમાં છે; તું ચાલ, વેશવાળ થતાં વાર નહીં લાગે. તારું ઘર બંધાવ્યા વગર હું થોડો જ જંપવાનો છું?

"ના. હવે તો આવવું જ નથી." સુખલાલ જાણે અગ્નિરસ પીતો પીતો બોલ્યો.

"એમ નહીં, તું કન્યા તો જોઈ લે!"

"એ વાત જ કરશો નહીં."

"તજવીજ તો..."

"બિલકુલ ન કરશો."

"ત્યારે?"

"મારી ત્રેવડ થયા પછી જ વાત હવે તો."

"પણ બેટા, લોકોમાં એક વાર ચેરાઈ ગયા પછી આવું કામ બહુ મુશ્કેલ બની જાય છે."

"ફિકર ન રાખજો. મને મારી ત્રેવડ કરવા દ્યો. મારાં બાવડાનાં બળે મને બધું કરવા દ્યો."

સુખલાલના પંજાએ મક્કમ મૂઠીઓ વાળીને પિતા સામે હલાવી. પિતાએ એ પુત્રસ્વરૂપ પહેલી વાર જ દીઠું.