આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રત્યે આવી એક કુદરતી ધૃણા હતી. એ તિરસ્કારના સંસ્કારે જ સુખલાલને નર્સ લીના પ્રત્યે અદબ ભર્યો રાખ્યો. લીનાને વિશે એ હલકો વિચાર સેવી જ ન શક્યો. જો લીના અમારા આવા છૂપા મિલનને ચાહતી હોત તો એ સૂચન લીના તરફથી જ ન આવ્યું હોત ? - એવી દલીલ પોતાના દિલ સાથે કરનારો એ યુવાન વિશુદ્ધિનું એક પગથિયું ઓળંગી ગયો.

"શું વિચાર કરે છે, સ્માર્ટી? તારા કપાળની નસો આટલી ઊપસી કેમ આવી છે, ડાર્લિંગ ?" લીનાએ એને પૂછ્યું.

"મારે એને મળવું છે."

"ક્યાં મળશે?"

"તમે જ બતાવ્યું ને ? - એને ઘેર."

"બ્રેવો, માઈ બૉય - શાબાશ, મારા દીકરા!"

આભાર માનવા વગેરેથી વિધિ કર્યા વગર સુખલાલ વિદાય લેવા ઊઠ્યો. લીનાએ રોક્યો નહીં. પણ એ બહાર નીકળી ગયો ત્યારે ઉપરથી લીનાએ કહ્યું : " આજે વાસણો વેચ્યાં નથી લાગતાં?"

"ના. એક વાર વેચીને બીજી વાર ફેરી કરવા નીકળ્યો છું."

"ચાલ તને મારા પાડોશીમાં લઈ જાઊં!"

"આજે નહીં."

"ઊભો રહે. મને થોડાં વાસણો આપતો જા. તે દિવસે મેં લીધા તે તો ઓળખીતાંઓ આવીને ખરીદી ગયાં."

સુખલાલને એના કહેવામાં વિશ્વાસ ન બેઠો, કહ્યું : "કાલે આવીશ."

"કાલે હું નહીં હોઉં; કાલથી દિવસની નોકરી છે - દેતો જા!"

સુખલાલ ખચકાયો.

"યુ ઈડિયટ ! બેફકૂફ ! વેપારીનું જિગર જ ન મળે ! પેલો તારો સંગાથી પક્કો વેપારી હતો. સામે ચાલી યુક્તિ-પ્રયુક્તિ કરી કરી વાસણો વળગાડતો ને તું ઘરાકના માગવા છતાં મૂંઝાય છે- લાવ!"