આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હોત તો તેણે કહી નાખ્યું હોત કે, "સંતોકડીમાંથી સુશીલા બની ચૂકેલી કન્યા મારી લાયકાતનું રોજેરોજ માપ લીધા જ કરશે, મારે તો સતત એને લાયક બનવા માટે જ મહેનત કરવી રહેશે ને હું મૂંઝાઇ જઇશ."

"તારા મનમાં તું સૂઝે એ ઘોડા ઘડતો હોય, ભાઇ," માએ મહામહેનતે કહ્યું," પણ સગપણ તૂટ્યે અમારું જીવ્યું ઝેર થાશે, ને પાછળ તારાં ભાંડરડાંને કોઇ નાળિયેર લેવા કે દેવા નહીં ડોકાય. વળી એવી પદમણી કન્યા આજ પંદર વરસના વેવિશાળ પછી પારકા ઘરમાં જઈને હિંડોળે હીંચકશે તો એ તારા બાપથી કે મારાથી આ અવસ્થાએ હવે નહીં સહેવાય. મારી આંતરડી આવી કકળી રહી છે માટે હું તને ફરી કહું છું, કે જા બાપ."

મુંબઇથી સુખલાલના મોટા સસરાએ પણ છેલ્લો કાગળ ભારી આકરો લખ્યો હતોઃ

"હવે જો સુખલાલને બહાર ન કાઢવો હોય, તો આખરી ચેતવણી સમજજો. અમે કાંઇ દીકરીને વેચી નથી. અમારે પેટના છોરુને જાણીબૂઝીને કૂવામાં નથી ધકેલવું. સુખલાલે જમાઇ રહેવું હશે તો લાયક બનવું પડશે.આંહીં આવીને ભણવું હશે તો ભણાવશું ને ધંધો કરવો હશે તો દુકાનો ક્યાં ઓછી છે? બાકી તમે જો એમ સમજી બેઠા હો કે અમારી સુશીલા આકડે લાગેલ મધ છે, તો તમે ખાંડ ખાવ છો, શેઠ! તમારા ચોરવાડ ગામનાં ધૂડિયાં ખોરડાંમાં છાણના અને તલસારાના ધુમાડા ફૂંકવા સારુ દીકરીને કોઇ ભણાવતું નથી, શેઠ! જેવો વિચાર હોય તેવા લખી જણાવજો, એટલે અમે નાતને જાહેર કરી દઇએ."

આ કાગળમાં સંપૂર્ણ ધમકી હતી. સુખલાલના પિતાને તે દિવસે ખાવું ભાવ્યું નહીં, અને પિતા તેમ જ મોટા ભાઈ ઝાંખા દેખાયા એટલે માતાસ્થાને મહામહેનતે રાંધણું કરનારી, નાના, પાતળા, પૂરો રોટલો પકડી પણ ન શકનારા હાથવાળી બહેન સૂરજે પણ ન ખાધું, ને નાનેરો ભાઇ પણ ખાધું ન ખાધું કરીને નિશાળે ચાલ્યો ગયો.

તે પછી ચોથે જ દિવસે સુખલાલને મુંબઇ જવા ઊપડવું પડ્યું.