આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગામ નજીકના કસબામાં ઝટ ઝટ પહોંચી જઈને એણે કૉલરવાળાં ખમીસ અને કોટ સિવડાવી લીધાં. બૂટ પણ નવા લઇને પહેર્યા. બહેન આ નવીન પોશાકમાં કોણ જાણે શાથી પણ ન શોભતા ભાઇને તેલના રેગાડા રેલાવતો ચાંલ્લો કર્યો. ને મરતી માએ 'ઘણું જીવો'ના આશીર્વાદ દેવા બહુ મહેનતે પતિને ટેકે ટેકે બેઠી થઇ દોરડી જેવા હાથ સુખલાલના નીચે ઢળેલા માથા સુધી લંબાવ્યા.


2

'પીલી જોઈએ'


"એને આંહી ઘેર લાવશો મા, સુશીલાને નાહક અટાણથી જ ધ્રાસ્કો પડશે." સુશીલાની બાએ પતિને, એટલેકે નાના શેઠને, સુખલાલના આવવાની આગલી રાતે જ ભલામણ આપેલી.

"તો ભલે પેઢી ઉપર જ સૂવાબેસવાનું રાખશું." નાના શેઠે કબૂલ કરી લીધું.

સવાર પડ્યું. જમાઈને ગાડી પર લેવા માટે મોટર કાઢવાની નાના ભાઈએ (સુશીલાના પિતાએ) વરધી આપી. તે સાંભળી મોટા શેઠે ઠપકો આપ્યો : " મોટર મોકલીને અત્યારથી જ શા માટે છોકરાને મોટાઈનો કેફ ચડાવવો? ઘોડાગાડી ભાડે કરીને લઈ આવશે માણસ."

"ના...આ...તો...હું આંટો મારતો આવું ને ઉતારતો આવું." નાના શેઠે ડર ખાઈને કહ્યું.

"તારે જવાની જરૂર નથી; અત્યારથી એને બગાડવો રે'વા દે બાપા! અને હજુ કોને ખબર છે ! આપણે આંધળુકિયાં નથી કરવાં. છોકરીનું ભલું બરાબર તપાસવું જોશે. હજી કાંઈ બગડી નથી ગયું. ટાઢે પાણીએ ખસ કાઢી શકાતી હોય તો ઊનું મૂકવાની શી ઉતાવળ છે?"