આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગતિમાન કરી દેવાની એમના હરએક શબ્દની એ ગરમી એમ સ્પષ્ટ સૂચવતી હતી કે તાજી સાંપડેલી આસામી હજુ મોટા શેઠને કોરેકોરાં પહેરી લીધેલાં કપડાંની માફક બંધબેસતી થઈ નહોતી. વધુમાં વધુ તો એમને સુખલલ પોતાની લાંબી ગાદીનો એક ખૂણો દબાવીને બેઠેલો તે સાલ્યું.

ગાદી પર બેસવાનો સુખલાલને ખાસ કશો મોહ નહોતો, પણ એને સ્ટેશનેથી લઈ આવનાર ગુમાસ્તાએ જ એ બેઠક બતાવી હતી. ઊલટાનો પોતે જ વિવેક રાખીને, અથવા કહો કે ડરતો ડરતો, છેક ગાદીની કોર પર બેઠો હતો, પણ મોટા શેઠનું ધ્યાન બેચેન બની વારંવાર પોતાની ડાબી બાજુએ બેઠેલા સુખલાલ તરફ કતરાતું હતું. પછી તો સુખલાલ એમની પ્રત્યેક નજરના ઠેલા અનુભવતો ધીરે ધીરે ગાદીથી છેક જ નીચે ઊતરી ગયો.

"કેમ છે તમારી માને?" ઘણા વખત બાદ મોટા શેઠે પૂછ્યું. પણ એ પૂછવાની રીત એવી હતી કે જાણે સુખલાલની માતાએ બીમાર પડવામાં મોટા વેવાઈનો કોઈ ખાસ અપરાધ કર્યો હોય અથવા ઢોંગ આદર્યો હોય.

"સારું છે." સુખલાલએ એમ માન્યું કે માતાની બીમારી વર્ણવવી અથવા જણાવવી એ પણ અહીં મુંબઈમાં એક પ્રકારની અસભ્યતા ગણાય. જવાબ દેવાની આટલી તક મળતાં એણે ઉમેર્યું કે, " મારા બાપાએ ને મારી બાએ સૌને બહુ જ સંભર્યાં છે."

એનો જવાબ આપવાની જરૂર મોટા શેઠને લાગી નહીં અને સુભાગ્યે ટપાલ પણ આવી પહોંચી, તે વાંચવામાં પોતે પડી ગયા.

દરમ્યાન નાના શેઠ તો પોતાની ઑફિસવાળા પાછલા ભાગમાં ચાલ્યા ગયા હતા. ટપાલ વાંચી લઈને મોટા શેઠ ઑફિસમાં દાખલ થયા; બેસીને પછી નાના ભાઈને કહ્યું:

"જોઈ લીધી ને શિકલ?"

"દુબળા બહુ પડી ગયેલા દેખાય છે. પાંચ વરસ પહેલાં તો...."