ઉત્કટતા સૂરજના મોં પર ભમતાં સુશીલાનાં નેત્રોમાં ભરી હતી. બરાબર એ જ આંખો, ને એ જ સબૂરીભર્યું મોં : એક જ બીબામાં ઢાળેલા આ ઘાટ : એ ઘાટીલો આદમી અત્યારે મુંબઇના કયા ફૂટપાથ પર ભમતો હશો ? મારા મોટા બાપુએ જેલમાં તો નહીં નંખાવ્યો હોય ?
"તમે ચોપડીઓ મોકલેલી..." સૂરજ માંડ માંડ એક વાક્ય બોલી શકી. બોલતાં પહેલાં તો એણે કોણ જાણે કેટલીય ગળણીઓમાં એ વાક્ય ગાળ્યું હતું.
"હું મોકલવાનું ભૂલી ગયેલી." સુશીલાએ સૂરજના વાક્યમાં કટાક્ષ માન્યો.
"ના, બાપાએ કહ્યું કે એ તો એ જ તમારું બંધાવેલું પોટકું ભૂલી આવ્યા."
સુશીલાએ સસરાની ખાનદાનીનો નવો પ્રસંગ નિહાળ્યો. એણે કહ્યું :
"બીજી મંગાવી દઇશ. હું તો હજુ રોકાવાની છું."
"આંહીં ?"
"આંહીંથી સાવ પાસે - થોરવાડમાં."
"મેં દીઠું છે."
"ક્યાંથી ?"
જવાબ દેતાં સૂરજને ભારી શરમ સતાવી રહી. પણ આખરે એણે કહી દીધું : "છાણાં વીણવા એક વાર નીકળેલ તે ત્યાં પહોંચી ગયેલાં."
"ક્યારે ?"
"બે'ક મહિના થયા હશે. પાછાં આવતાં રાત પડી ગયેલી."
"તમને મોકલે છે ?"
આ પ્રશ્ન પૂછતી પૂછતી સુશીલા સુરજની બારેક વર્ષની વયનો વિચાર કરતી હતી.
"શું કરે ?" સુરજે છાણાં વીણવાની આર્થિક ફરજ સૂચિત કરી.
"બીવો નહીં ?"