આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વળતા જ દીએ આંહીં તેડીને હાલ્યો આવ ! આમાં જો કાંઇ ફેરફાર થયો છે ને, તો...બસ, વધુ કહેવાની જરૂર નથી."

મોટાભાઇની સાથે વાતચીતનો ઓછામાં ઓછો પ્રસંગ લઇને દૂર નાસનાર આ નાના ભાઇએ આજે પોતાનો નવા પ્રકારનો તેજોવધ અનુભવ્યો. 'જો નહીં લાવ ને...તો...જોઇ લઇશ...' 'ઘરમાં રે'વું છે કે નથી રે'વું, હેં !' વગેરે પહેલી જ વાર સાંભળેલા શબ્દો એને ટાઢા થતા જખમની માફક વધુ ખટકતા હતા. એણે પોતાના ઓરડામાં જઇને કોટ બદલાવવા માંડ્યો.

ત્યાં તો દુકાનનો દાદો ગુમાસ્તો પ્રાણિયો ઉર્ફે પ્રાણજીવન, "લ્યો કાકી, આ ઘી," એમ કહેતો રસોડામાં આવ્યો. "ઠેઠ પારલા ગયો ત્યારે પત્તો લાગ્યો," એમ કહીને આવું સારું ઘી મેળવવાનાં કષ્ટોનું વર્ણન લહેકાદાર વાણીમાં કરીને પછી સુશીલાની બાને હળવેથી પૂછવા લાગ્યો : "કાં, કાકી, મોટાભાઇ આવ્યા પછી ઘરમાં કાંઇક ગાજવીજ કે કડાકા-ભડાકા નથી થયા ને ?"

"શેના કડાકા-ભડાકા ?"

"હવે અજાણ્યાં શીદ થાવ છો ? તમે ચતુર થઇને મારું પારખું કાં કરો ?"

"તારા સમ, મને ખબર નથી !"

"તમારાં વા'લાં સગાં ગુજરી ગયાં, ત્યાં નાના શેઠ સનાન કરી આવ્યા - ખબર નથી ?"

"ના ! કોણ સગાં ?"

"તમને કહ્યુંય નથી ?"

"ના, મને મારા જીવના સમ !"

"ખરા ત્યારે તો ! ત્યારે તો હવે તમારા માથાના થઇ ગયા નાના શેઠ ! હવે ફકર નહીં ! તમે ઘણા દી એમને માથે જમાદારી કરી; હવે એમનો વારો."

"પણ પીટ્યા, સીધો ભસી મર ને - શું થયું ? કોણ કોણ ગુજરી ગયું